મોબાઇલ ગેમ કઇ રીતે લત બનીને જીવલેણ બની શકે છે તેના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યાં છે. અમદાવાદમાં પણ પત્નીએ પતિને પબજી ગેમ રમવાની ના પાડતા તેને ઢોર માર માર્યો હતો. જે પછી પત્નીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદનાં કૃષ્ણનગરની અંજના પાર્ક સોસાયટીમાં રહેતાં 35 વર્ષનાં આશાબેન નિલેશ પ્રજાપતિએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેમના લગ્ન 2007માં નિલેશ દુર્લભભાઇ પ્રજાપતિ સાથે થયા હતા. નિલેશ હીરા ઘસવાનું કામ કરે છે. છેલ્લા થોડા સમયથી સાસુ સસરા શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. તેમજ છુટાછેડા લેવા માટે દબાણ કરતા હતા. તારીખ 25મી જુનની રાત્રે અગિયાર વાગ્યે પતિ મોબાઇલમાં પબજી ગેમ રમતો હતો. જેથી પત્નીએ ગેમ રમવાનીનાં પાડતા પતિ ઉશ્કેરાઇને પત્નીને માર માર્યો હતો.
આ મુદ્દે સાસુ સસરાની પણ પુત્રવધૂ સાથે બોલાચાલી થઇ હતી. ફરીથી તેમણે પુત્ર સાથે છૂટાછેડા લઇ લેવા માટે દબાણ કર્યું હતું. જેથી પરિણીતાને મનમાં આવી જતા ગળાફાંસો ખાઇ આપઘાત કરવા પ્રયાસ કર્યો હતો. જે બાદ પતિ અને સાસુ સસરાએ તેને બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતાં. પોલીસ આ મામલામાં ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.