Ambaji Temple VIP Darshan Stop : અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કરાયા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે VIP દર્શનને લઈ આક્ષેપ કર્યા હતા. જોકે આ આક્ષેપનો વિડીયો જાહેર થયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું. જેને લઈ હવે અંબાજી મંદિરમાં VIP દર્શન બંધ કરવામાં આવ્યા છે.
યાત્રાધામ અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શન વ્યવસ્થા અંગે ઊઠેલા આક્ષેપો અને સવાલો બાદ મંદિર ગર્ભગૃહમાં દર્શન વ્યવસ્થા સદંતર બંધ કરી દેવામાં આવી છે. જેને લઈને મા અંબાનાં દર્શને આવતા સેંકડો માઇભક્તોમાં જાણે અમીર-ગરીબની ભેદરેખા દૂર થઇ હોવાનો અહેસાસ અને આનંદ પ્રવર્ત્યો છે.
મંદિર દર્શન વ્યવસ્થા અંગે ઊઠેલા આક્ષેપોનું ખંડન કરતાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે કોઇ પણ પ્રકારના અનધિકૃત નાણાવ્યવહારના આધારે મંદિરમાં દર્શન વ્યવસ્થા આપવામાં આવતી નથી. ગર્ભગૃહમાં દર્શન વ્યવસ્થા સદંતર બંધ કરવામાં આવી છે. જોકે આવનારા દિવસોમાં કોઈ સૂચન કે નીતિનિયમો બનાવવામાં આવશે તો ચોક્કસ તેને ધ્યાનમાં લેવામાં આવશે.