Ahmedabadad News : અમદાવાદમાં દૂતની જેમ ચાલતી અને અમદાવાદીઓની જીવાદોરી સમાન AMTS બસની અડફેટે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. શહેરના શાહપુર વિસ્તારમાં AMTS બસના ચાલકે વૃદ્ધને અડફેટે લેતાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
શાહપુરમાં ચાર રસ્તા પાસે એએમટીએસના બસ ચાલકે પુરઝડપે અને બેદરકારીથી બસ ચલાવી અકસ્માત સર્જ્યો હતો. બસ ચાલકે વૃદ્ધને અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.
હજુ થોડા દિવસ પહેલા જ શહેરમાં વિશાલા સર્કલ પાસે એએમટીએસ બસ દ્વારા ગાડી, રિક્ષા અને લોડિંગ ટેમ્પા સાથે અકસ્માત સર્જયો હતો. જેમાં બે વ્યક્તિને સામાન્ય ઇજાઓ થઇ હતી. બે લગામ ચાલતી એએમટીએસ બસ આજે લોકોને યમદૂત ફરી રહ્યા હોવાનો અહેસાસ કરાવે છે.