- હું આતંકવાદી નથી જામીન આપો : કેજરીવાલ
- અરવિંદ કેજરીવાલની દિલ્હી હાઇકોર્ટમાં રજૂઆત
- કેજરીવાલની અરજી પર સીબીઆઇને નોટિસ
- સીબીઆઇએ હાઇકોર્ટનો સંપર્ક કરવા સામે વાંધો ઉઠાવ્યો
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર હાઇકોર્ટે સીબીઆઇને નોટીસ જારી કરી જવાબ માંગ્યો છે. એક્સાઇઝ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવેલા કેજરીવાલની અરજી પર હવે ૧૭ જુલાઇએ સુનાવણી થશે…..ગુરુવારે કેજરીવાલની અરજી પર સંક્ષિપ્ત સુનાવણી થઇ હતી. આ દરમિયાન કેજરીવાલે પોતાના માટે રાહતની માગ કરતા જણાવ્યું હતું કે તે કોઇ આતંકવાદી નથી.
અરવિંદ કેજરીવાલે સીબીઆઇની ધરપકડ અને રિમાન્ડને પણ આ જ કોર્ટમાં પડકાર્યા છે. એક્સાઇઝ નીતિ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલા આમ આદમી પાર્ટીના પ્રમુખને ઇડી કેસમાં નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતાં પણ હાઇકોર્ટે તેના પર સ્ટે મૂકી દીધો હતો. કેજરીવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે કેજરીવાલ વિદેશ ભાગી જવાના નથી અને તે આતંકવાદી નથી. ઇડીના મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા પછી સીબીઆઇએ તેમની ધરપકડ કરી છે. સીબીઆઇ વતી હાજર રહેલા વકીલ ડી પી સિંહે ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવાને બદલે સીધા જ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે…
ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ ૨૬ જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને કોર્ટની પરવાનગીથી ત્રણ દિવસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતાં. તેમણે પોતાની ધરપકડ અને રિમાન્ડને હાઇકોર્ટમાં પડકાર્યા હતાં.