દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : રાજસ્થાનના પાલી જિલ્લાના સોજત પાસે કાર ટ્રકની પાછળ ઘૂસી જતાં કાર ચાલક આર્મી મેન, તેની પત્ની અને સાસુનું મોત થયું હતું. (Banaskantha Army Man Accident) દાંતીવાડાના જવાન પત્ની સાથે સાસુની સારવાર અર્થે નાગૌરના બુટાટી જઈ રહ્યા હતા ત્યારે પાલી જિલ્લાના સોજત પાસે અકસ્માત નડ્યો હતો.
Banaskantha Army Man Accident | અકસ્માતમાં સેનાના જવાનનો જીવ ગયો
દાંતીવાડાના ધાનેરી ગામના અને રાજસ્થાનના બિકાનેર આર્મી કેમ્પ ખાતે ફરજ બજાવતા પ્રભુભાઈ પરથીભાઈ ચૌધરી શુક્રવારે બીમાર સાસુની સારવાર માટે બુટાટી ધામ (નાગૌર) જઈ રહ્યા હતા. ત્યારે રાત્રે 2 વાગ્યે પાલીના સોજત નજીક પસાર થતી ટ્રકના ચાલકે બ્રેક મારતાં કાર અંદર ઘૂસી જતાં આર્મી મેન પ્રભુભાઈ પરથીભાઈ ચૌધરીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જવાનની પત્ની સુશીલાબેન પટેલ અને સાસુ શાંતાબેન ગલબાભાઈ ચૌધરી ( 60 રહે.મેરવાડા તા. પાલનપુર)ને ઈજા થતાં સોજતની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં બંનેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સ્થાનિક પોલીસ દ્વારા ધાનેરી ગામ રહેતા પરિવારને અકસ્માતની જાણ કરવામાં આવી હતી.તેમના આગમન બાદ મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.
જવાનની અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું
દાંતીવાડાના ધાનેરી ગામના અને આર્મીમાં ફરજ બજાવતાં જવાન અને તેમની પત્નીના પાર્થિવ દેહને રવિવારે સવારે વતનમાં લવાતા બીએસએફ કોલોનીથી શહિદની અંતિમ યાત્રા નિકાળવામાં આવી હતી. જવાન અને તેમની પત્નીની અંતિમ યાત્રામાં ગામ હિંબકે ચઢ્યું હતું.