દિલીપસિંહ રાજપૂત, Banaskantha : બનાસકાંઠાના વડગામ તાલુકામાં વીજ કરંટ લાગવાથી મહિલા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યાંની ઘટના સામે આવી છે. કપડાં સુકવતી વખતે મહિલાને કરંટ લાગ્યો હતો. જેને બચાવવા જતાં પિતા-પુત્રને પણ કરંટ લાગતા ત્રણેયના મોત થયાં હતા.
બનાવની પ્રાપ્ત પ્રાથમીક માહિતી અનુસાર, વડગામ તાલુકાના નાવિસણા ગામમાં ભાવનાબેન જોશી નામની મહિલા તાર પર કપડાં સુકવી રહી હતી. જે દરમિયાન વીજ કરંટ લાગ્યો હતો. મહિલાને કરંટ લાગ્યો હોવાની જાણ થતાં પિતા-પુત્ર પ્રકાશભાઈ જોશી અને રુદ્ર જોશી તેને બચાવવા માટે પહોંચ્યા હતા પરંતુ કરંટ પ્રસરીને પિતા-પુત્રને પણ લાગ્યો હતો.
કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયાની જાણ થતાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગ્રામજનોએ ત્રણેયને વડગામ સીએચસી સેન્ટર ખાતે ખસેડ્યા હતા. જોકે સારવાર દરમિયાન ત્રણેયના મોત નીપજ્યાં હતા. વીજ કરંટથી ત્રણના મોત થવાની ઘટનાથી નાવિસણા ગામમાં શોકની લાગણી પ્રસરી હતી. ત્રણેયના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.