વડોદરા: નવા વર્ષે વડોદરામાં પુત્ર દારૂ પીને પકડાતા મહિલા કોર્પોરેટરે હંગામો કરવાનો બનાવ ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરાના વોર્ડ નંબર 14ના કોર્પોરેટર જેલમ ચોક્સીનો પુત્ર કૃણાલ ચોક્સી નશાની હાલતમાં ઝડપાયો હતો અને પછી દીકરાને છોડાવવા માટે કોર્પોરેટરે પોલીસ સ્ટેશનમાં ધમપછાડા કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં મહિલા કોર્પોરેટરે પોતાના પદની ગરિમા ભૂલીને હોબાળો કર્યો હતો. ત્યારે મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે એક અંશે એટલી ઉગ્ર બોલાચાલી થઈ હતી કે, એક પોલીસકર્મીનું જેકેટ ફાટ્યું હતું. મહત્વનું છે કે, 31મી ડિસેમ્બર પર પોલીસ સતત ચેકિંગ કરી રહી હતી ત્યારે કોર્પોરેટરનો પુત્ર ઝડપાયો અને બાદમાં આટલો હોબાળો થયો.
31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ દ્વારા સતત મોનિટરીંગ કરી ઝુંબેશ ચલાવી હતી. જેમાં પોલીસે ચાર દરવાજા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યુ હતું. આ ચેકિંગમાં કેટલાક યુવકો દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા. જેમાં વોર્ડ નંબર 14 ના ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર જેલમ ચોક્સીનો પુત્ર કુણાલ ચોક્સી પણ દારૂ પીધેલી હાલતમાં પકડાયો હતો. ત્યારે ભાન ભૂલેલા મહિલા કોર્પોરેટર પીધેલા પુત્રને છોડાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
જેલમ ચોક્સીએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવી ઉંચા અવાજે બૂમાબૂમ કરી હતી. પોલીસના કર્મચારીઓ અને ભાજપના મહિલા કોર્પોરેટરના કેટલાક ટેકેદાર અને પરિવારજનો વચ્ચે ખેંચાતાણી પણ થઈ હતી. જેમાં એક પોલીસ કર્મચારીનું જેકેટ પણ ફાટવાની ઘટના બની હતી. આ ઉગ્ર બોલાચાલીનો વીડિયો સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સત્તા ધરાવતી પાર્ટીના એક કોર્પોરેટરનું આ પ્રકારનું વર્તન અશોભનીય ગણાય. પુત્રને છોડાવવા મહિલા કોર્પોરેટરે એટલા ધમપછાડા કર્યા હતા કે, તેઓ પોતાના પદનુ પણ ભાન ભૂલ્યા હતા.