પાટણ ડબલ મર્ડર કેસમાં ડેન્ટિસ્ટ કિન્નરી પટેલે તેના સગા ભાઈ જીગર અને માસૂમ ભત્રીજી માહીને ઝેર આપી મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં તેણીએ પોટેશિયમ સાઇનાઇડનો ડોઝ કેપ્સુલ મારફતે આપ્યો હતો.
તે રાસાયણિક દ્રવ્ય અમદાવાદથી લાવી હોવાનું પોલીસ તપાસમાં જણાવતાં તે કોના પાસેથી લાવી હતી અને બીજા કોણ કોણ તેની સાથે સંડોવાયેલા છે તે દિશામાં તપાસ આરંભાઇ છે. ઘરમાં તેનો અસંતોષ અને મહત્વ નહીં મળવાની નારાજગીના કારણે કિન્નરીએ આ પગલું ભર્યું હોવાનો પોલીસની પ્રાથમિક તપાસમાં તેણીએ ખુલાસો કર્યો છે.ત્યારે આ ઘટનામાં ઊંડાણપૂર્વકની તપાસ માટે પોલીસે પાટણ કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
મૂળ સિદ્ધપુર તાલુકાના કલ્યાણાના વતની અને અમદાવાદ સ્થિત બિઝનેશમેન નરેન્દ્રભાઇ પટેલની દીકરી ડેન્ટિસ્ટ એવી કિન્નરીએ ગત 5 મેના રોજ તેના ભાઇ જીગર અને 30 મેના રોજ તેની 14 માસની ફૂલ જેવી ભત્રીજી માહીને ઝેર આપી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાથી આરોપી કિન્નરી સામે લોકોમાં ધૃણા ઊભી થઈ છે.
આ ઘટના પછી રહસ્યનાં જાળાં ઉભાં થયાં હતાં, જેમાં પોલીસે કરેલી રિમાન્ડ અરજીમાં પરિવારના સભ્યો દ્વારા જણાવેલી હકીકત સામે આવી છે કે તેણીએ પહેલાં ધતુરાના બીજનો રસ રંગીન ગ્લુકોઝમાં અને છેવટે કેપ્સુલમાં પોટેશિયમ સાઇનાઇડ ભરીને ડોઝ આપી અંજામ આપ્યો હતો, આ જથ્થો તેણીએ અમદાવાદથી મેળવ્યો હતો પણ કોના પાસેથી મેળવ્યો છે તે માટે પોલીસની તપાસ ચાલી રહી છે.
આ કિસ્સામાં કોઇએ તેની મદદ કરી છે કે કેમ તેની પણ તપાસ થઇ રહી છે. તેણીએ બીજો જથ્થો કયાં છુપાવ્યો છે તે જણાવ્યું નથી. તેણીને ચીફ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા, જેમાં સરકારી વકીલ ડી.જે. ઠાકોર અને આરોપીના વકીલ કે.એમ. પરમારની દલીલો બાદ મેજીસ્ટ્રેટ ટી.જે. પટેલે 13 જૂન સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પરિવારમાં અસંતોષ મૂળ કારણ
પોલીસે કિન્નરીના માતા-પિતા સહિત પરિવારના પાંચ સભ્યોના નિવેદનો લીધાં છે. પરિવારના સભ્યોના મોબાઈલ કબજે લીધા છે. બાળકીની લાશ પર ઓઢાડેલું કપડું કબજે લેવાયું છે. કિન્નરી પટેલ મંદ પોઇઝન આપવા માટે ધતુરાના ફૂલના બીજ પાટણ નજીક માતરવાડી હાઈસ્કૂલ પાસેથી તોડી લાવી હોવાનું સામે આવ્યું છે. સિદ્ધપુર ડીવાયએસપી સી.એલ. સોલંકી અને તપાસ અધિકારી આર.જી. ચૌધરીએ જણાવ્યું કે, ‘ઘરમાં સામાજિક અસંતોષ અને ઘરની નારાજગીના કારણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.’
‘મારાથી ભૂલ થઇ ગઇ’
કિન્નરીને આવું કરવા પાછળનું પૂછ્તાં તેણે કહ્યું કે, ‘મારાથી ભૂલ થઇ ગઇ આવું મેં કેમ કર્યું તેની મને પણ ખબર પડતી નથી.’ કિન્નરીની કબૂલાતનો વીડિયો પિતાએ જ પોતાનાં મોબાઇલમાં ઉતાર્યો હતો જે પોલીસ તપામાં તેમણે આપી દીધો હતો.
જાણો આખે મામલો
પોલીસે જણાવ્યાં પ્રમાણે અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં સુરધારા સર્કલ પાસેની મણીપુષ્પ સોસાયટીમાં રહેતા અને સ્ટીલનો વ્યવસાય કરતા નરેન્દ્રભાઈ બબલદાસ પટેલના દીકરા જીગરને છ મહિના પહેલા આંખમાં કંઇ તકલીફ થઇ હતી અને શરીર ધ્રુજતું હોવાથી અમદાવાદ ખાતે સીમ્સ, સ્ટર્લિંગ, જાયડસમાં હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી.
ગત 4 મેના રોજ તેમનો પરિવાર પાટણમાં શક્તિપાર્ક સોસાયટીમાં રહેતા તેમના ભાઈ પ્રવીણભાઈના ઘરે રોકાયો હતો અને 5 મેના રોજ કલ્યાણા ગામે કુળદેવીનાં દર્શન કરવા ગયા હતા. ત્યાં જીગરની તબિયત લથડતાં પાટણની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
જે બાદ 30 મેના રોજ મૃતક જીગરની પત્ની ભૂમિબેનને તકલીફ થતાં હોસ્પિટલ લઈ જવાયાં હતાં. જ્યારે તેની દીકરી 14 માસની માહી ઘોડિયામાં સૂતેલી હતી ત્યારે ખેંચ આવતાં ખાનગી દવાખાને લઈ જતાં મૃત્યુ થયું હતું. જેની માતરવાડી સ્મશાનભૂમિમાં દફનવિધિ કરાઇ હતી.
મહત્વનું છે કે જેના સામે પિતાએ ભાઇ અને ભત્રીજીની હત્યાનો આક્ષેપ કર્યો છે તે કિન્નરી બીડીએસ ડેન્ટલ સુધીનો અભ્યાસ કરેલો છે અને બે વર્ષ અગાઉ સ્ટર્લિંગમાં નોકરી કરતી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.