સરપંચશ્રીએ ૫ મંત્રીઓ અને ૧૨ સભ્યોની ટીમ બનાવી કોરોનાને આપી મક્કમ લડત
પાટણ જિલ્લામાં અનેક ગામોએ કોરોનાની બીજી લહેર વખતે સ્વૈચ્છિક લોકડાઉન અને સ્વયં શિસ્તના પાલનથી કોરોના સામે જંગ છેડીને પોતાના ગામને કોરોનામુક્ત કર્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ના આહવાનને સાર્થક કરવા ગ્રામજનો સ્વયં આગળ આવ્યા છે અને ગામને આ વિકટ મહામારીમાંથી ઉગાર્યું છે.
સિદ્ધપુર તાલુકાનું કનેસરા ગામ પાટણ હાઈવે પર આવેલું છે. આ ગામમાં થોડાક સમય પહેલાં કેટલાંક લોકોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા બાદ ટેસ્ટીંગ કરીને તેમને તરત જ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા દવાની કીટ આપીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા. કનેસરા ગામના સરપંચશ્રી પ્રકાશભાઈ ઠાકોરે ગામમાં આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને મોટા પાયે ટેસ્ટીંગની કામગીરી કરી. સરપંચે ગામના યુવાનો સાથે મળીને વિવિધ મંત્રીઓ સહિત ૧૭ લોકોની ટીમ બનાવીને તેમને વિવિધ જવાબદારી સોંપી. સરપંચે ગ્રામજનોને થોડાક દિવસો સુધી સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવા માટે સમજાવ્યા જેથી ગામમાં આગળ વધતી કોરોના સંક્રમણની ચેઈનને તોડી શકાય. ગ્રામજનોએ પણ સામાજિક કાર્યક્રમો સહિતની બાબતો પર પાબંદી મૂકીને પુરો સહકાર આપ્યો.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવેલ અધિકારી અને કર્મચારીઓની ટીમ દ્વારા ગામમાં નિયમિત રીતે સર્વેલન્સ કરવામાં આવ્યું. જેથી, ગામમાં કોરોનાની પરિસ્થિતિ પર નજર રાખી શકાય. કનેસરા ગામમાં સુરત કે અમદાવાદ જેવા શહેરોમાંથી આવતા લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું અને હોમ આઈસોલેશનનું પાલન કરવા માટે સૂચન કરવામાં આવ્યું. ગામની આસપાસ આવેલ ફેક્ટરીમાં રોજગાર માટે જતા લોકો પણ કોરોના અંગેની સરકારશ્રીની માર્ગદર્શિકાઓનું પાલન કરે એ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી. સરપંચ દ્વારા ગામને કોરોના સામે સજ્જ રહેવા માટે સોશિયલ મીડિયા અને વોટસેપ ગૃપ દ્વારા એકબીજાના સંપર્કમાં રહીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. યુવા સરપંચ દ્વારા અગમચેતીના પગલાં રૂપે ગામમાં કોઈ કોરોનાના દર્દીને ઓક્સિજનની જરૂર પડે તો ગામમાં જ સુવિધા મળી રહે એ માટે ઓક્સિજન સિલીન્ડરની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોના મહામારીની શરૂઆતમાં ગામને સલામત રાખવા માટે અસરકારક પગલાં કનેસરાના ગ્રામજનો દ્વારા ભરવામાં આવ્યા હતા. આ વખતે પણ પૂરતી સજ્જતા દાખવીને ગ્રામજનોએ કોરોનાને પડકાર આપવાનું નક્કી કરી લીધું છે અને અત્યારે ગામમાં માત્ર એક જ એક્ટિવ પોઝીટીવ કેસ છે. સિદ્ધપુર પ્રાંત અધિકારીશ્રી ડૉ. સુપ્રિયા ગાંગુલીના માર્ગદર્શનમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.એ.રાજપુરા, આરોગ્ય વિભાગની ટીમ, આશાવર્કર અને તલાટી- કમ- મંત્રી દ્વારા કનેસરા ગામ કોરોનામુક્ત થાય એ માટે પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા છે.