- પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ
- ખાનગી શાળાઓની જેમ યુનિફોર્મના કારણે આંગણવાડીના બાળકોની પણ આગવી ઓળખ ઉભી થશે
જિલ્લા સેવા સદન ખાતે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આંગણવાડીના બાળકો માટે ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાની તમામ આંગણવાડીઓમાં જતા બાળકોના પ્રતિકરૂપે ઉપસ્થિત રહેલા બાળકોને ગણવેશ અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યની આંગણવાડીના ૦૩થી ૦૬ વર્ષના બાળકોને રાજ્ય સરકાર દ્વારા યુનિફોર્મ આપવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાની ૧,૪૨૭ આંગણવાડીઓના ૩૧,૨૭૭ બાળકોને બે-બે જોડી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખાનગી શાળાઓની જેમ યુનિફોર્મના કારણે આંગણવાડીના બાળકોની પણ આગવી ઓળખ ઉભી થશે. સાથે જ આ બાળકોના સ્વાસ્થ્યની દરકાર કરી ગણવેશની સાથે સાથે માસ્ક, સેનેટાઈઝર, રૂમાલ અને હાઈજીન કીટ પણ આપવામાં આવી છે.
વધુમાં શ્રીમતી ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું કે, આંગણવાડીમાં આવતા બાળકો કુપોષિત ન રહે તે માટે આઈ.સી.ડી.એસ. વિભાગ સતત પ્રયત્નશીલ છે. કોરોના જેવી મહામારીમાં પણ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ ઘરે ઘરે જઈ ટેક હોમ રાશનના વિતરણની કામગીરી કરી કોરોના વોરિયર તરીકેની ભૂમિકા ભજવી હતી.
પાટણ જિલ્લાને કુપોષણમુક્ત કરવા અપીલ કરતાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારીના સમયમાં આંગણવાડી કાર્યકરોએ ડોર-ટુ-ડોર સરવે કર્યો હતો અને હાલની સ્થિતિમાં મહત્તમ લોકો રસીકરણ કરાવે તે માટે જનજાગૃતિ સહિતની કામગીરી પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. આવી જ શ્રેષ્ઠ કામગીરી કુપોષણ નિવારણ માટે પણ કરવાની છે. મને વિશ્વાસ છે કે આંગણવાડી કાર્યકરો આગામી એક વર્ષમાં જિલ્લાને કુપોષણમુક્ત કરવા સક્ષમ છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ જણાવ્યું કે, આંગણવાડીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેનું મહત્વનું સોપાન છે. આ બાળકો આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે દેશના ઉજ્જવળ ભાવી માટે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષશ્રી સહિતના મહાનુભાવો દ્વારા જિલ્લાની આંગણવાડીઓના ભૂલકાઓને યુનિફોર્મ વિતરણના પ્રતિક સ્વરૂપે ઉપસ્થિત આઠ જેટલા બાળકોને યુનિફોર્મ અને હાઈજીન કીટ આપવામાં આવી હતી. આંગણવાડીના ભૂલકાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી સર્જનાત્મક કૃતિઓથી મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, ગરીબો અને વંચિતોની સતત દરકાર કરતાં સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નવતર અભિગમ અપનાવી દેશમાં સૌપ્રથમ વાર રાજ્યની ૫૩,૦૨૯ આંગણવાડીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવતાં ૧૪ લાખ બાળકોને ૨૮ લાખ યુનિફોર્મ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી દ્વારા રૂ.૩૬ કરોડના ખર્ચે શરૂ કરવામાં આવેલી યુનિફોર્મ વિતરણ યોજનાઓ ઈ-માધ્મય થકી રાજ્યભરમાં પ્રારંભ કરાવવામાં આવ્યો. આ કાર્યક્રમ પાટણ જિલ્લાની તમામ ૧,૪૨૭ આંગણવાડીઓ પર બાળકોના વાલીઓ, આંગણવાડી કાર્યકર અને તેડાગરોએ ઈ-માધ્યમ થકી લાઈવ નિહાળ્યો હતો.
જેમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા તથા રાજ્ય કક્ષાના મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે ઉપરાંત વિભાગના કમિશનરશ્રી કે.કે.નિરાલા અને આઈ.સી.ડી.એસ.ના નિયામકશ્રી મોદી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ ગતવર્ષે કોરોના સંક્રમણકાળમાં આયોજીત હેન્ડવૉશ કેમ્પેઈનમાં એક સાથે પાંચ લાખ મહિલાઓએ જોડાઈને નવો વિક્રમ સ્થાપિત કર્યો હતો. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના પ્રતિનિધિશ્રી દ્વારા આ ગૌરવ સિદ્ધિ માટે મુખ્યમંત્રીશ્રીને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું.
પાટણ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ, યુવા પ્રવૃત્તિ સમિતિ, પાટણના ચેરપર્સન સુશ્રી સેજલબેન દેસાઈ, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ગૌરીબેન સોલંકી, તમામ સી.ડી.પી.ઓ. તથા મુખ્ય સેવિકાઓ ઉપરાંત આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.