Patan : પાટણના સિદ્ધપુરમાં પીવાના પાણીની પાઈપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળ્યા બાદ હવે આ અવશેષો સિદ્ધપુરમાંથી ગુમ થયેલી લવિના નામની યુવતીના જ હોવાનું સ્પષ્ટ થયું છે. પાઈપલાઈનમાંથી મળી આવેલા અવશેષો અને ગુમ થયેલી લવિનાનાં માતા-પિતાના DNA રિપોર્ટ કરવામાં આવતાં એમાં સ્પષ્ટ થયું છે કે પાઈપલાઈનમાંથી જે અવશેષો મળ્યા છે એ લવિનાના જ છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 16 તારીખે પ્રથમવાર પીવાના પાણીની પાઈપલાઈનમાંથી શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળ્યા હતા. ત્યાર બાદ સિદ્ધપુરના અલગ અલગ વિસ્તારમાંથી મૃતદેહના અવશેષો મળવાનો સિલસિલો જોવા મળ્યો હતો. તો બીજી તરફ સિદ્ધપુરમાં જ રહેતી લવિના નામની યુવતી પણ ગુમ થવાનું સામે આવ્યું હતું અને તેના એક સીસીટીવી પણ સામે આવ્યા હતા. પાઈપલાઈનમાંથી જે અવશેષો મળ્યા હતા એના પીએમ રિપોર્ટમાં આ અવશેષો યુવતીના જ હોવાનો ઘટસ્ફોટ થયો હતો, પરંતુ, આ અવશેષો ગુમ થયેલી લવિનાના જ છે કે નહીં એ નક્કી કરવા માટે તેનાં માતા-પિતાનો DNA રિપોર્ટ કરવામાં આવ્યો હતો. એ આવતાં એમાં સ્પષ્ટ થયું છે કે સિદ્ધપુરમાં અલગ અલગ વિસ્તારની પાઈપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા એ લવિનાના જ હતા.
સિદ્ધપુરમાં રહેતી લવિનાના 12 મેના રોજ લગ્ન હતા. લગ્ન પહેલાં લવિનાએ પ્રીવેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું, પરંતું લગ્નના પાંચ દિવસ પહેલા એટલે કે 7 મેના રોજ તે ગુરુદ્વારા જવાનું કહ્યા બાદ ઘરેથી નીકળી હતી અને ગુમ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેનાં પરિવારજનોએ પોલીસને પણ જાણ કરી હતી. જ્યારે પીવાના પાણીની પાઈપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળી આવ્યા ત્યારે પોલીસે ગુમ વ્યકિતની શોધખોળ કરી હતી અને જે અવશેષો મળ્યા હતા એ લવિનાના જ હોવાની આશંકા વ્યકત કરી એ દિશામાં તપાસ હાથ ધરી હતી. પોલીસ-તપાસમાં પાણીની ટાંકી તરફ જતા રસ્તા પરના એક સીસીટીવી મળ્યા હતા, જેમાં લવિના જોવા મળી હતી. પાણીની ટાંકીમાંથી એક દુપટ્ટો મળી આવ્યો હતો, જે પણ લવિનાની નાની બહેને ઓળખી બતાવ્યો હતો.