DyCM Nitin Patel

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે પાટણ નગરપાલિકાના નવીન ભવનનું લોકાર્પણ કર્યું

ગુજરાત સરકારે નગરપાલિકાઓને આર્થિક અનુદાન આપીને મજબૂત બનાવી છે
નીતિનભાઇ પટેલ

ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે પાટણ નગરપાલિકાના નવનિર્મિત ભવન ‘સરદાર ભવન’ નું લોકાર્પણ કર્યું હતું.

પાટણ શહેરની મધ્યમાં અંદાજે અઢી કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નગરપાલિકા સેવાસદન નાયબ મુખ્યમંત્રીશ્રીએ સમર્પિત કર્યું હતું. સાથે સાથે પાટણ શહેરના સૂર્યનગર વિસ્તારમાં નવીન ઓવરહેડ ટાંકી અને સંપ તેમજ રામનગર વિસ્તારમાં ઓવરહેડ ટાંકીનું લોકાર્પણ પણ શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે થયું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ઉદ્દબોધન કરતા જણાવ્યું હતુ કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ એમની દીર્ઘદ્રષ્ટિ યુક્ત નેતૃત્વથી ગુજરાતની નગરપાલિકાઓને આર્થિક સહયોગ પૂરો પાડીને બેઠી કરી છે.

રાજયની નગરપાલિકા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના, ગરીબ નાગરિકો માટે કલ્યાણકારી કાર્યો, વિવિધ વિસ્તારમાં રસ્તાઓના કાર્યો કરીને સરકારે નગરપાલિકાઓનો વિકાસ કર્યો છે. વર્તમાન સરકારે રાજયમાં અનેક શહેરોમાં નગરપાલિકાના સુવિધાયુક્ત નવા મકાનો બાંધ્યા છે.

તાજેતરમાં જ સરકારે નગરપાલિકાઓને વિકાસના વિવિધ કાર્યો માટે ખૂબ મોટી ગ્રાંટ ફાળવી છે. પાટણ નગરપાલિકાનું આ નવીન મકાન નાગરિકોની સુખ સુવિધાઓમાં વધારો કરશે અને વહીવટી કાર્યો ઝડપથી થશે. નગરપાલિકા ભવનમાં બનાવેલ મીટિંગ હોલના નામકરણ માટે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલને પદાધિકારીઓ દ્વારા વિનંતી કરવામાં આવતા તેમણે તેનું નામકરણ ભારતરત્ન અને પૂર્વ પ્રધાનમંત્રીશ્રી ‘અટલ બિહારી વાજપેઇ’ ના નામ પરથી કરવા માટે સૂચન કર્યું હતું.

આ પ્રસંગે સંગઠનના મહામંત્રીશ્રી કે.સી.પટેલે, નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અને સતત માર્ગદર્શન પૂરુ પાડવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. નીતિનભાઇ પટેલે પાટણ જિલ્લા માટે સતત સિંચાઇના પાણી, રસ્તાઓથી લઇ તમામ બાબતોની ચિંતા કરીને સતત સહાય કરી છે. એમણે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકાની કાર્યરીતિએ તમામ માટે ઉદાહરણરૂપ છે.

‘સરદાર ભવન’ ના લોકાર્પણ પ્રસંગે પધારેલ શ્રી નિતીનભાઇ પટેલનું નગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટર તથા કર્મચારીઓએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પાટણ કલેકટરશ્રી સુપ્રિતસિંઘ ગુલાટી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નગરપાલિકા પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ પટેલ, સંગઠનના પાટણ જિલ્લાના પ્રભારીશ્રી મયંકભાઇ નાયક, સંગઠનના પાટણ જિલ્લાના પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી પાંચાભાઇ માળી, કોર્પોરેટરો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

શું તમે ગુજરાતી છો? તો લાઈક ઉપર ક્લિક કરો.