મોહમ્મદ પઠાણ, પાટણ : જિલ્લા પ્રશાસન ના વિવિધ વિભાગો આપત્તિના સમયે કેટલા સચેત છે તે જાણવા માટે જિલ્લા પ્રશાસન ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અવાર નવાર મોક ડ્રિલ ના આયોજન કરાતા હોય છે. અને આ મોક ડ્રીલ દરમિયાન વિવિધ શાખાના કર્મચારીઓ કેટલા સમયમાં ઘટના સ્થળે પહોંચીને ઘટનાને નિયંત્રણમાં કરી શકે છે તે જાણવાનો ઉદ્દેશ મોક ડ્રીલનો રહેલો હોય છે. ત્યારે સોમવારના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ કેમેસ્ટ્રી ભવનમાં મોક ડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ભવનમાં આગ લાગી હોવાની જાણ પાટણ પાલિકાના ફાયર ફાઈટરને કરાતા ફાયર ફાઈટર એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને આગ પર નિયંત્રણ લાવ્યા હતા. અને વિદ્યાર્થીઓને આગના સમયે કઈ રીતે બચી શકાય અને કઈ રીતે આગને નિયંત્રણમાં લઈ શકાય તે બાબતેનું નિર્દેશન કરી જાણકારી આપવામાં આવી હતી.
યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ભવન ખાતે આયોજિત કરાયેલા મોક ડ્રિલ ના આ કાર્યક્રમ ને લઈને ઘડીભર માટે યુનિવર્સિટી કેમ્પસમાં અને કેમેસ્ટ્રી વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.