Surat
સુરત (Surat) ના પાંડેસરા વિસ્તારમાં ગુમ થયેલી 10 વર્ષીય બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. સુરત શહેરના ઉધના વિજયનગરમાં રહેતા શ્રમજીવી પરિવાર મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને 10 વર્ષીય પુત્રી છે. પતિ-પત્ની બંને મજૂરીકામ કરતા હોવાથી બંને બાળકોને તેમના ભાઈને ત્યાં તેઓએ પાંડેસરા ભેદવાડ વિસ્તારમાં મોકલ્યા હતા.
તે દરમિયાન બપોરના સમયે બાળકી ઘર પાસેથી રમતા રમતા ગુમ થઈ ગઈ હતી. જેથી પરિવારજનોએ આસપાસના તમામ વિસ્તારોમાં બાળકીની શોધખોળ કરી હતી પરંતુ તેનો ક્યાંય પત્તો ન લાગતા રાત્રિના સમયે પરિવારજનોએ આ અંગે પાંડેસરા પોલીસ મથકમાં બાળકીના ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. શરૂઆતના સમયે પોલીસે સ્થાનિક સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તપાસ કરતા સોસાયટીમાં જ રહેતા પ્રદીપ ભેસાની સાથે બાળકી દેખાઈ હતી. પ્રદીપે બાળકીને સ્થાનિક હોટલમાં નાસ્તો પણ કરાવ્યો હતો અને બાદમાં ત્યાંથી લઈને જતો રહ્યો હતો.
સીસીટીવીની મદદથી પોલીસે પ્રદીપની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સ્થાનિક લોકોએ પ્રદીપને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. કોઈને શંકા ન જાય તે માટે પ્રદીપ હત્યા બાદ પણ બાળકીની શોધખોળમાં પરિવારની સાથે જ હતો.
આ પણ જુઓ : ગુજરાત ભારત બંધમાં કોંગ્રેસ દ્વારા હાઈ-વે પર સળગાવ્યા ટાયર
પ્રદીપની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે પ્રદીપે તેના મિત્ર આનંદ સાથે મળી બાળકીની હત્યા કરી લાશને ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધી હતી. આરોપીની કબૂલાત કરતા પોલીસનો કાફલો તથા ઉપરી અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઝાડી ઝાંખરામાં શોધખોળ કરતા બાળકીની લાશ મળી આવી હતી. હાલ આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે કે કેમ તે જાણવા માટે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.