પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ 12મી માર્ચે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયો હતો. પાટીદારોને અનામત મળે તેવી માંગણી જોરશોરથી ઉઠાવનારા અનેક કન્વિનરો નેતાઓ બની ગયા અને ભાજપ કે કોંગ્રેસનો છેડો પકડી લીધો.

જાણો પ્રતિકની કહાની

25મી ઓગષ્ટ બાદ ઉગ્ર સ્વરૂપે શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનનો જ એક ચહેરો હતો મહેસાણાનો પ્રતિક પટેલ. મહેસાણામાં રહેતા પ્રતિક બાબુભાઈ પટેલના સાત વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તે પિતાનો ટ્રાવેલનો ધંધો કરતો હતો. ઘરની અઢી વીઘા જમીન ભાગિયાને આપી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. પ્રતિક તેની એક દીકરી, પત્ની, માતાપિતા સાથે સુખેથી જીવતો હતો.

જોકે, પોતે ભણેલો ગણેલો હોવા છતાં નોકરી ન મળતા અંદર આક્રોશ હતો. આ જ સમયે 2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું. મહેસાણા એ વખતે આંદોલનનું મુખ્ય સેન્ટર હતું. પ્રતિક પટેલ મહેસાણામાં આંદોલનનું નેતૃત્વ કરતો હતો. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર ધમાલ થઈ અને આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું.

હાર્દિકની ધરપકડ થતાં આંદોલનકારી પ્રતિક પટેલ અને તેના મિત્રોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ ગોળીબારમાં પ્રતિકના એક મિત્રનું મોત થયું હતું. પ્રતિક પટેલને પણ માથામાં ગોળી વાગી હતી. બસ, અહીંથી પ્રતિક પટેલની કરમની કઠણાઈ શરૂ થઈ હતી. ગોળી વાગ્યા બાદ પ્રતિકને લકવો થઈ ગયો અને તેની જિંદગી દુષ્કર બની ગઈ હતી.

પ્રતિક ટેકા વગર પોતાની રીતે ચાલી પણ નથી શકતો. સરખી રીતે બોલી પણ નથી શકતો. જે તે પ્રતિકના પિતા બાબુભાઈને આનંદ હતો કે તેનો પુત્ર પાટીદાર આંદોલનમાં જોડાયો છે અને સમાજ માટે કામ કરી રહ્યો છે. પરંતુ આજે બાબુભાઈ અને તેમના પત્નીની આંખોમાં એટલો જ આક્રોશ છે. બાબુભાઈનું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણી પછી પાટીદાર સમાજ કે પછી સરકારે તેમના કોઈ ખબર અંતર પૂછ્યા નથી. સાથે જ બાબુભાઈ કહે છે કે કોંગ્રેસ સાથે જોડાઈને હાર્દિક પટેલે સમાજ સાથે દગો કર્યો છે. બાબુભાઈ કહે છે કે, અમે આશા રાખીને બેઠા છીએ કે સરકાર અને પાટીદાર સમાજ અમારી હાલત તપાસીને અમને કોઈ મદદ કરે.