કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે
-મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
રાજ્યના ખેડૂતોને દિવસે આઠ કલાક વીજળી આપવાની યોજનાનો ઈ-શુભારંભ કરતા પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી
પાટણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર અને સાંસદશ્રી ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિ
રાજ્યના ખેડૂતોને દિવસ દરમ્યાન થ્રી ફેઝ વીજળી મળી રહે તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કિસાન સૂર્યોદય યોજનાનો ઈ-શુભારંભ કરવામાં આવ્યો. પાટણ ખાતે યોજાયેલા કિસાન સૂર્યોદય યોજનાના ઈ-શુભારંભ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર તથા સાંસદશ્રી ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પાટણ જિલ્લાના ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત સામાર્થ્યવાન લોકોની ભૂમિ રહી છે અને ગુજરાતના અનેક મહાનુભાવોએ દેશને સામાજિક તથા આર્થિક નેતૃત્વ આપ્યું છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલ જેવી વિભૂતિઓએ દેશ અને દુનિયાને નવી રાહ ચિંધી હતી. તે ગુજરાત આજે વિકાસકાર્યોની પહેલથી દેશને નવી રાહ દેખાડી રહ્યું છે. ગુજરાતમાં આજે લોકાર્પિત થઇ રહેલા ત્રણેય પ્રોજેક્ટ શક્તિ, ભક્તિ અને સ્વાસ્થ્યના પ્રતીક છે.
ખેડૂતોના કલ્યાણ માટે ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના, સૌની યોજના બાદ હવે કિસાન સૂર્યોદય યોજના મારફત ગુજરાત ફરી એક વખત નવતર પહેલ સાથે આગળ આવ્યું છે. આ યોજના સીમાચિહ્નરૂપ બની રહેશે. કારણ કે તેમાં સર્વોચ્ચ પ્રાથમિકતા ખેડૂતોને આપવામાં આવી છે. વીજળીના ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રમાં ગુજરાતમાં વર્ષોથી જે કામ થઇ રહ્યા છે, તે આ યોજનામાં આધારરૂપ બન્યા છે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એક સમય હતો કે જ્યારે વીજળીની ખૂબ જ તંગી રહેતી હતી. ૨૪ કલાક ગૃહવપરાશ માટે વીજળી આપવી એ પડકાર હતો. છાત્રો માટે શિક્ષણની વાત હોય કે ખેડૂતોને સિંચાઇ અને ઔદ્યોગિક પ્રવત્તિ થકી આવકની વાત હોય, આ તમામ બાબતો માટે વીજળી ખૂબ જ જરૂરી છે અને વીજ પુરવઠાની તંગીને કારણે આ બધાને અસર કરતું હતું.
આવા સમયે ગુજરાતમાં વીજળીના ઉત્પાદનથી લઇને તેના વિતરણ સુધીની તમામ બાબતોમાં સુદ્રઢ વ્યવસ્થા ઉભી કરવા માટે મિશન મોડમાં કામ કરવામાં આવ્યું. ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય હતું કે, જેમણે એક દાયકા પૂર્વે સૌરઊર્જાના ઉત્પાદન માટે નીતિ બનાવી હતી. ૨૦૧૦માં પાટણમાં વિશાળ સોલાર પાવરનો પ્રારંભ કર્યો ત્યારે કોઇ કલ્પના પણ કરી નહોતી કે ભારત સમગ્ર દુનિયાને one sun, one world, one gridના રાહનું દિશા દર્શન કરશે, આજે ભારત સૌરઊર્જાના ઉત્પાદન અને તેના ઉપયોગની બાબતમાં દુનિયાના અગ્રણી દેશો પૈકી છે. છેલ્લા છ વર્ષમાં સૌરઊર્જાની બાબતમાં વિશ્વમાં પાંચમાં સ્થાને પહોંચી ગયું છે અને આ દિશામાં આપણો દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે.

તેથી કિસાન સૂર્યોદય યોજના થકી તેમને માત્ર સુરક્ષા જ નહીં પણ, ખેડૂતો માટે સુખ અને સુવિધાનો નવો સૂર્યોદય લાવી છે. ખેડતોને રાતને બદલે સવારને બદલ થ્રી ફેઝ વીજળી મળવાની બાબત ખેડૂતો માટે નવા સૂર્યોદય સમાન છે. આ માટે નવી ટ્રાન્સમિશન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આવનારા ત્રણ વર્ષોમાં ૩૫૦૦ સર્કિટ કિલોમિટર લાઇન ઉભી કરી તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે જે વિસ્તારમાં યોજના અમલમાં આવી છે, તેમાંથી બહુધા ખેડૂતો આદિવાસી વિસ્તારના છે.
અન્નદાતાને ઊર્જાદાતા બનાવવા માટે કુસુમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતોને સોલાર પમ્પ કે પેનલ આપવામાં આવે છે અને તેમાં ખેડૂતો સિંચાઇ પમ્પ વાપરતા વધતી વીજળી વેંચી શકે છે. ૭૦.૫0 લાખ ખેડૂતોને સોલાર પમ્પ લગાવવા માટે મદદ કરવામાં આવી રહી છે. તેની ખેડૂતોને સિંચાઇમાં વીજળીની સુવિધા સાથે આવકમાં પણ વૃદ્ધિ થશે.
ગુજરાતે સિંચાઇ અને વીજળી સાથે પીવાના પાણીના ક્ષેત્રમાં પણ સુંદર કામ કર્યું છે તેમ કહેતા શ્રી મોદીએ ઉમેર્યું કે, ગુજરાતના બજેટનો એક મોટો હિસ્સો પીવાના પાણી માટે વપરાતો હતો, હવે મા નર્મદાના પાણી ઘરેઘરે નળ મારફત પહોંચ્યા છે.
તેમણે જનઔષધિ કેન્દ્ર, નવી મેડિકલ કોલેજના નિર્માણ સહિતની આરોગ્ય સેવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. અંતે શ્રી મોદીએ કોરોના વાયરસ સામે તકેદારી રાખવા સામાજિક અંતરના નિયમોનું પાલન કરવા, માસ્ક પહેરવા અને હાથ સેનિટાઇઝ કરતા રહેવા અપીલ કરી હતી.
જૂનાગઢથી જોડાયેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતના વિકાસ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સેવેલા સપનાઓ સાકાર કરવામાં આવી રહ્યા છે. ભૌતિક સુવિધા, ઔદ્યોગિક ક્ષેત્ર, પ્રવાસન સહિતની બાબતમાં ગુજરાત અગ્રેસર બની રહ્યું છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી જ્યારે ગુજરાતનું સુકાન સંભાળતા ત્યારે જ્યોતિગ્રામ યોજના થકી ગામડાઓમાં 24 કલાક વીજળી પહોંચાડવાની શરૂઆત કરી ગામડાના અંધારા ઉલેચી રાજ્યને ઝળહળતું કર્યું. આજે કિસાન સૂર્યોદય યોજનાના ઈ-શુભારંભથી આગામી ત્રણ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને હવે દિવસે વીજળી ઉપલબ્ધ થશે.
શ્રી રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણને ખાળવા માટે દિનરાત મહેનત કરવામાં આવી રહી છે. સંક્રમિત વ્યક્તિના સાજા થવાના દર ૯૦ ટકા થયો છે. મૃત્યું આંક ઘટીને સવા બે ટકા થયો છે. ટેસ્ટમાં પોઝેટિવ આપવાનું પ્રમાણ ઘટીને ત્રણ ટકા જેટલું થયું છે. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસની રૂપરેખા આપી હતી. જ્યારે, અમદાવાદથી જોડાયેલા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, આગાઉના સમયમાં ખેડૂતોને આખા દિવસના પરિશ્રમ બાદ રસોઈનો સમય થાય કે પશુ દોહવાનો સમય થાય તેવા સમયે વીજ પુરવઠો મળતો ન હતો. પીવાના પાણીનો બોર કે ગામના કોઈ પ્રસંગ સમયે વીજળી ન હોવાથી મુશ્કેલી પડતી હતી. ખેડૂતોને પડતી આવી મુશ્કેલીઓને પગલે વર્ષ 2001માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શહેરી વિસ્તારની જેમ ગામડાઓમાં પણ 24 કલાક વીજળી આપવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો. માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી દેશમાં સૌપ્રથમ ગુજરાતના તમામ ગામોમાં 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે.
વધુમાં કેબિનેટ મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ખેતી માટે રાત્રીના સમયે વીજળી આપવામાં આવતી હતી જેના કારણે ખેડૂતોને રાત્રીના ઉજાગરા કરવા પડતા, જંગલી પશુઓ કે જીવજંતુઓ કરડવાનો ડર રહેતો, સાથે જ તેમના પરિવારજનો પણ ચિંતામાં રહેતા. ખેડૂતોની આવી મુશ્કેલીઓ દૂર કરવા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતોની દરકાર કરી કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસના સમયે વીજળી આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જેના કારણે ખેડૂતોને દિવસે આઠ કલાક થ્રી ફેઝ વીજળી મળતા તેની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવશે.
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના મહેસાણા અને પાલનપુર સર્કલના તાબા હેઠળના કુલ 516 જેટલા ગામોને પ્રાથમિક તબક્કે આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. આગામી ત્રણ વર્ષમાં કુલ 57 જેટલા સબ સ્ટેશનો અને 310 જેટલા ફીડરો પરથી પાટણ જિલ્લાના તમામ તાલુકાના બધા ગામોને વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવશે. જેનાથી મહેસાણા અને પાલનપુર સર્કલના 16,350 કરતાં વધુ ખેડૂતોને લાભ મળશે.
આ પ્રસંગે લોકસભાના સાંસદશ્રી ભરતસિંહ ડાભી, જી.ઈ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ, સંગઠનના પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ અને પ્રભારીશ્રી મયંકભાઈ નાયક, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, યુ.જી.વી.સી.એલ.ના એમ.ડી.શ્રી ડૉ.મહેશ સિંઘ, જી.ઈ.ડી.એ.ના ચેરમેનશ્રી આઈ.એમ.ભાવસાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ, એચ.એન.જી.યુ.ના કુલપતિશ્રી ડૉ.જે.જે.વૉરા, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ, યુ.જી.વી.સી.એલ.ના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.