જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાની ઉપસ્થિતિમાં ૭૫મા સ્વાતંત્ર્ય દિવસનું રિહર્સલ યોજાયું
ધ્વજવંદન, હર્ષ ધ્વની, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજાશે
પાટણ મુકામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા.૧૫ મી ઓગષ્ટના રોજ સવારે-૯.૦૦ કલાકે જિલ્લાકક્ષાના ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવશે.
કોવિડ-૧૯ની ગાઇડલાઇન સાથે ગરિમાપૂર્ણ રીતે આ રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. ધ્વજવંદન, હર્ષ ધ્વની, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, રાષ્ટ્રગાન સહિત કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ બાદ પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે કાર્યક્રમ સ્થળે કરવામાં આવેલી વ્યવસ્થાઓ તથા પોલીસ પરેડનું નિરિક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી હતી. આ વેળાએ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.પરમાર, પ્રાંત અધિકારી સચિન કુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.