પાટણ : યુનિવર્સીટીના મીની તળાવમાં પક્ષીઓનું આગમન

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણના કેમ્પસમાં આવેલ મીની તળાવમાં આજકાલ અવનવા પક્ષીઓ મહેમાન બન્યા હોઈ યુનિવર્સીટીનું વાતાવરણ ખીલી ઉઠ્યું છે.

એક તરફ ચોમાસાના સારા વરસાદના કારણે યુનિવર્સીટીમાં ચોમેર હરિયાળી છવાઈ છે અને સમગ્ર વાતાવરણ લીલોતરીથી આકર્ષિત બનવા પામ્યુ છે તો બીજીતરફ યુનિવર્સીટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગની પાછળની બાજુએ આવેલ યુનિવર્સીટીના મીની તળાવમાં અને આસપાસના લીલાછમ બગીચામાં સફેદ અને કાળા રંગના અવનવા પક્ષીઓ ટહેલતા જોવા મળી રહ્યા છે.

આમ તો પાટણ જિલ્લામાં રણ પ્રદેશમાં આવેલ વાડીલાલ તળાવમાં વિદેશી યાયાવર પક્ષીઓ નજરે પડતા હોય છે પરંતુ આ વર્ષે યુનિવર્સીટીના મીની તળાવમાં પણ વિવિધ પ્રકારના પક્ષીઓ નજરે પડી રહ્યા હોઈ વિદ્યાર્થીઓ અને યુનિવર્સીટી કર્મચારીઓ પણ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.