ધર્મ સંસ્કૃતિમાં તહેવારો અને વ્રતનો મહિમા વિશેષ માનવામાં આવે છે. જપ-તપ અને વ્રતનો પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થતાં જ ભાદરવા માસનો પ્રારંભ થાય છે. સ્ત્રીઓ ધાર્મિક શ્રધ્ધાભાવ સાથે ઘણાં વ્રત ઉપવાસ કરતી હોય છે.
ત્યારે ભાદરવા સુદ ત્રીજના દિવસે સ્ત્રીઓ પોતાનું અખંડ સૌભાગ્ય બની રહે તે માટે કેવડાત્રીજનું વ્રત રાખતી હોય છે. આજે કેવડાત્રીજ નિમિતે બગેશ્વર મહાદેવ અને ઘુઘરાબાવાની વાડી ખાતે આવેલા મંદિરોમાં સૌભાગ્યવ્રતી સ્ત્રીઓ તેમજ કુંવારીકાઓ દ્વારા બાજવઠ ઉપર સ્થાપિત ભગવાન શિવની વેણુ પ્રતિમાને ધરો, અર્ક, બીલી, પુષ્પ તેમજ કેવડો વગેરે ઔષધીઓ અર્પણ કરી પુજાવિધિ સાથે આરતી ઉતારવામાં આવી હતી અને ભગવાન શિવને વંદન કરી અમર સૌભાગ્ય માટેના આશીર્વાદ લીધા હતાં.
કેડવાત્રીજને હળતાલીક વ્રત પણ કહેવાય છે.
ભગવાન શિવને પતિરૂપમાં પામવા માતા પાર્વતીએ આ કેવડાત્રીજનું વ્રત કયું હતું. સૌભાગ્યવતી સ્ત્રી પતિના સુખાકારી માટે તેમજ પોતાનું અખંડ અને અમર સૌભાગ્ય બની રહે તે માટે જયારે કુંવારીકાઓ જીવનમાં સારો પતિ મળે, સારૂં સૌભાગ્ય પ્રાપ્ત થાય તે માટે કેવડાને સૌભાગ્યનું પ્રતિક માની મોટી સંખ્યામાં બહેનોએ વ્રતની ઉજવણી કરી હતી. તો વ્રત ધારી મહિલા સહિત મંદિરના પુજારી એ કેવડાત્રીજના મહાત્મય વિશે વધુ માહિતી આપી હતી.