પાટણ શહેરના હાર્દસમા એવા બગવાડા દરવાજા ખાતે આવેલા મ્યુનિસિપાલટીનું કોમ્પલેક્ષ ઘણા સમયથી પડવાના વાંકે જર્જરીત હાલતમાં ઉભુ હોવાથી સ્થાનિક વેપારીઓ દ્વારા નગરપાલિકામાં અનેકવાર લેખિત રજૂઆતો કરી પોતાના સ્વખર્ચે આ કોમ્પ્લેક્ષના રિનોવેનશ માટે માંગ કરી હતી.
તેમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હાલતું ન હોવાથી કોઈ મોટી જાનહાની થવાની નગરપાલિકા રાહ જોઈને બેઠુ હોય તેમ સ્થાનિક વેપારીઓની લેખિત અરજીને ધ્યાને લેવામાં આવી ન હતી જેને લઈ છેલ્લા બે દિવસથી પડી રહેલા પાટણ શહેરમાં મુશળધાર વરસાદને પગલે પડવાના વાંકે ઉભેલા બગવાડાના મ્યુનિસિપાલટી કોમ્પ્લેક્ષનું ઉપરનું છજુ એકાએક ધરાશાયી થતાં વેપારીઓમાં અફરા તફરી મચી જવા પામી હતી અને વેપારીઓએ પોતાનો જીવ બચાવવા પોતાની દુકાનો ખુલ્લી મુકીને છજુ પડતાં રોડપર દોડી આવ્યા હતા
અને આ ઘટના બનતાં આજુબાજુના વેપારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો આ કોમ્પ્લેક્ષની નીચે એક પાર્ક કરેલા બાઈક ઉપર જ છજાનો કેટલોક ભાગ પડતા બાઈકને મોટુ નુકશાન થવા પામ્યું હતું.જોકે સદનસીબે આ છજુ પડવાના કારણે અને મુખ્ય માર્ગ હોવા છતાં પણ કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી.
તો હજુ છજાનો કેટલોક ભાગ ધરાશાયી થયા બાદ પણ કોમ્પ્લેક્ષનો કેટલોક ભાગ પડવાના વાંકે ઉભો હોઈ વેપારીઓ સહિત રાહદારીઓ અને સ્થાનિક લોકોના જીવ પડીકે બંધાયા છે અને આ અંગેની જાણ પાલિકાના સત્તાધીશોને કરતાં તેઓ મોડે મોડે પણ ઘટના સ્થળે ફાયર ફાયટર સાથે આવી પહોંચી પડવાના વાંકે ઉભેલા કેટલાક ભાગને પાડવાની કામગીરી હાથ ધરવાનું વિચારવામાં આવ્યું હતું.
આમ, પાટણ શહેરમાં વર્ષો પહેલા પાલિકા હસ્તકના બનાયેલા કેટલાક કોમ્પ્લેક્ષાોના છજાઓ પડવાના બનાવો બની રહયા હોવા છતાં પાલિકા તંત્ર મુકપ્રેક્ષાક બની તમાશો જોતાં શહેરીજનોમાં તેમની કામગીરી પ્રત્યે અનેક પ્રશ્નો ઉદભવ્યા છે ત્યારે પાલિકા દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવેલા કોમ્પ્લેક્ષાોનું રિનોવેશન કોઈ મોટી જાનહાની થાય તે પૂર્વે કરવામાં આવે તેવી વેપારીઓ સહિત શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે.