પાટણ શહેરમાં અત્યારે ઠેર ઠેર રોડ રસ્તાની ખરાબી, ભૂગર્ભ ગટરો ઉભરાવી તેમજ વરસાદી પાણીના નિકાલની સમસ્યાના અભાવથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તે અંગે પાટણ નગર પાલિકાના શાસકોની વહીવટી નિષ્ફળતા જવાબદાર હોવાનું પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શંકરજી ઠાકોરએ આક્ષેપ કર્યો છે.
શંકરજી ઠાકોરે જણાવ્યું હતું કે, પાટણમાં મોહલ્લા પોળો અને સોસાયટીઓમાં ભૂગર્ભ ગટરો ચોકઅપ થઈ જવાની અને તેના ગંદા પાણી ઉભરાવાની સમસ્યાથી રહીશો હેરાન પરેશાન થઇ રહ્યાં છે.
આ ઉપરાંત પાટણમાં રોડ રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ થઇ ગયેલ છે. ઠેરઠેર ખાડા પડયા છે. રેલવે નાળાઓમાં પાણી ભરાઇ જતાં રેલવે ફાટક પર લાંબા સમય સુધી એક કિલોમીટર જેટલો વાહનોનો ટ્રાફિક જામ સર્જાય છે જેના કારણે દર્દીઓ, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને આમ નાગરિકો સૌને ભારે હેરાન પરેશાન થવું પડે છે. આમ છતાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે.
તેમણે ભાજપના ભ્રષ્ટ વહીવટના કારણે લોકોને હેરાન થવું પડી રહ્યું હોવાનો આક્ષેપ કરીને સત્તાધીશો દ્વારા જાગૃત બનીને સારા રોડ રસ્તા, ગટર, પાણી સહિતની સારી સુવિધા લોકોને પૂરી પાડવામાં આવે તેવું લોકો ઇચ્છિરહ્યા હોવાનું જણાવ્યું હતું.
તો પાટણ ભાજપ શહેર પ્રમુખ કિશોરભાઈ જણાવ્યું હતું કે અત્યારે વરસાદી સિઝન ચાલી રહી છે ત્યારે આગામી બે મહિનામાં પાટણના રોડ રસ્તા અને ગટર ના પ્રશ્નો તેમજ તો વોટર ના પ્રશ્નો હલ થઇ જશે તેવું ભાજપ શહેર પ્રમુખે જણાવ્યું હતું.