અષાઢ માસ પૂર્ણ થતાં અને પવિત્ર માસમાં શ્રાવણ માસમાં આવતા જુદા જુદા વ્રતો, તહેવારો અને ઉત્સવો પૂર્વે દશામાના દસ દિવસીય વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. આગામી અષાઢ વદ અમાસને રવિવારથી શરૂ થતા દસ દિવસીય આ વ્રતને લઈ પાટણના પ્રસિધ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે આવેલ દશામા શકિતપીઠ ખાતે વ્રતને અનુલક્ષીને તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે.
અષાઢ વદ અમાસથી શરૂ થતાં દસ દિવસીય વ્રતને લઈ શકિતપીઠ ખાતે મૈયાના સ્થાનકને વિશેષ આર્ટીફીશીયલ ફુલોથી સુશોભીત કરવામાં આવ્યું છે. મૈયાના દસ દિવસીય આ મહોત્સવમાં શકિતપીઠ ખાતે અવનવા મનોરથના દર્શનની ઝાંખી પણ ગોઠવવામાં આવશે.
ચાલુ વર્ષે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી સરકારની ગાઈડલાઈન મુજબ તારીખ-૮ ઓગસ્ટથી ૧૭ ઓગસ્ટ સુધી શ્રધ્ધાળુઓ માટે મૈયાના દર્શન ખુલ્લા મુક્વામાં આવશે, તેમજ મંદિરમાં આવનાર વ્રતધારી મહિલાઓ અને શ્રધ્ધાળુ ભકતોએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે.
વધુમાં આ વ્રત ઉજવનાર શ્રધ્ધાળુ ઓએ દશામાની મૂર્તિનું વિસર્જન પોતાના ઘરે જ શુધ્ધ પાણીમાં કરવું અને તે પાણી તુલસીક્યારામાં અથવા તો પીપળાના વૃક્ષ નીચે પધરાવવું.
જેથી પર્યાવરણનું પણ જતન થાય અને શક્ય હોય ત્યાં સુધી પીઓપીની મૂર્તિઓનો ઉપયોગ ન કરવા પુજારી આતુભાઈએ અનુરોધ કર્યો છે. આગામી રવિવારથી શરુ થતા આ વ્રતને લઈ શકિતપીઠ દશામા ખાતે મૈયાની મૂર્તિને સુશોભીત કરી તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે.