પાટણ : ભૂગર્ભ પાઈપના શીફટીંગના ખોદકામ વખતે મંદિર નમી જતાં સર્જાયો વિવાદ

પાટણ નગરપાલિકા દ્વારા હાઈવે વિસ્તારોમાં ભૂગર્ભની મુખ્ય રાઈઝીંગ પાઈપલાઈન નવીન પુલની કામગીરી દરમ્યાન તૂટી જતાં ભૂગર્ભના ગંદા પાણી રોડ પર રેલાતા હતા જેથી હાઈવે વિસ્તારની સોસાયટીઓના રહીશોને ખૂબજ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે પાલિકામાં અનેક રજૂઆતો બાદ પાલિકા દ્વારા ૯૬ લાખના ખર્ચે ભૂગર્ભની મુખ્ય પાઈપલાઈનનું સીફટીંગનું કામકાજ શરુ કરવામાં આવ્યું હતું ત્યારે સિદ્ઘપુર ચાર રસ્તા નજીક આવેલી શ્રમજીવી સોસાયટીના પ્રવેશદવાર પાસે જોગણીમાતાનુ મંદિર આવેલું છે.

આ મંદિર ગત રાત્રીએ જેસીબી દ્વારા ખોદકામ કરતા નમી ગયું હતું. ત્યારે સ્થાનિક લોકોની આસ્થા સાથે જોડાયેલૂ મંદિર નમી જવાના કારણે લોકોમાં આ કામગીરી પ્રત્યે વિરોધ જોવા મળ્યો હતો અને લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ આ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. તો છેૡા કેટલાય દિવસથી પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ગત રાત્રિએ જેસીબી મશીન દ્વારા ખોદકામ કરતા જોગણીમાંનુ મંદિર નમી ગયું હતું જેથી કરીને શ્રમજીવી વિસ્તારના રહીશો દ્વારા કામ બંધ કરાવી દીધું હતું.

ઘટનાને પગલે નગરપાલિકા પ્રમુખ શહેરના કોપોરેટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો શ્રમજીવીને રહીશ રાવળ કમશીભાઇએ જણાવ્યું હતું કે પહેલા પણ અમારું મકાન તોડી પાડ્યું હતું અને અત્યારે આ મંદિર પણ ખોદકામ કરતા નમી ગયું છે તો સત્વરે મંદિરનું નવીનીકરણ કરવાની માંગ સાથે જયાં સુધી મંદિરનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી સ્થાનિક લોકો ભૂગર્ભની લાઈન સીફટીંગનું કામ શરુ કરવા નહીં દે તેવી ચિમકી પણ પીટીએન ન્યુઝ સમક્ષ ઉચ્ચારી હતી. તો ઘટના સ્થળે દોડી આવેલા પાલિકા પ્રમુખે પણ ખર્ચ આપવાની બાબતે હાથ અધ્ધર કર્યો હોવાના આક્ષોપો રાવળ કમશીભાઈએ કર્યો હતા.