પાટણ શહેરના આનંદ સરોવર પાસે પાટણ નગરપાલિકા દ્વારા દિવાળી પર્વને લઈ ૧૧ જેટલા ફટાકડા સ્ટોલોની હંગામી હરાજી કરવામાં આવી હતી ત્યારે ચાલુસાલે ફટાકડા બજારમાં મંદીનો માહોલ જોવા મળતાં હોવાનું વેપારીએ જણાવી આ ફટાકડા બજારમાં સારી કંપનીના વ્યાજબી ભાવે ફટાકડા મળતા હોવા છતાં ઓછી ઘરાકી હોવાનું જણાવી આગામી બે દિવસમાં ઘરાકી ખુલે તેવી આશા વ્યકત કરી હતી અને દર વર્ષે ફટાકડા બજાર એસોસીએશન દ્વારા તમામ સરકારી પ્રોસેસ પૂર્ણ કર્યાં બાદ પાલિકામાં પૈસા ભર્યા બાદ પણ ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ કરી વેપાર કરતા હોવાનું જણાવી પોલીસ, પ્રાંત અને પાલિકાને પાટણ શહેરમાં ઉભી રહેતી લારીઓ અંગે અનેક રજૂઆતો કરવા છતાં પણ આજે ઠેરઠેર ફટાકડાની લારીઓ ખડકાઈ જતાં તેની સીધી અસર ફટાકડા બજારમાં જોવા મળી રહી હોવાનું જણાવ્યું હતું
અને આ ફટાકડાની લારીઓમાં કોઈપણ જાતના ફાયર સેફટીના સાધનો વગર લારીઓ જાહેરમાર્ગો પર ઉભી રહેતી હોવાથી કોઈ દુર્ઘટના ઘટે તો મોટી જાનહાની થવાની પણ સંભાવનાઓ રહેલી હોવાથી પોલીસ વિભાગ અને પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર સેફટીના સાધનો વગર ઉભી રહેતી શહેરની તમામ લારીઓને ખસેડી દેવા પણ માંગ કરી હતી. તો બગવાડા દરવાજાથી ત્રણ દરવાજા સુધીના અને જૂનાગંજ બજારમાં બિલાડીના ટોપની જેમ ફટાકડાની લારીઓ ફૂટી નિકળતાં આ લારીઓના કારણે દિવાળી પર્વમાં ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાતા હોવાનું સામે આવી રહયું છે.
ત્યારે પાલિકા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા શહેરીજનોની સુખાકારી માટે શહેરમાં ઉભી રહેતી ફટાકડાની લારીઓ તાત્કાલિક અસરથી ખસેડવામાં આવે તેવી પણ શહેરીજનો માંગ કરી રહયા છે.
તો પાલિકા દ્વારા હંગામી ધોરણે ફાળવવામાં આવેલા ૧૧ જેટલા ફટાકડાના સ્ટોલ આગળ હરાજી થયાને ચાર દિવસ વિતી ગયા હોવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા તે સ્થળે ફાયર ફાયટર ન મૂકાતાં વિપક્ષાના ડો.નરેશ દવેએ સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરી હતી તેમછતાં આજ બપોર સુધી પાણીનું ટેન્કર કે ફાયર ફાયટર ફટાકડાના સ્ટોલ આગળ જોવા મળ્યું ન હતું. આ અંગે પાલિકાના કોપોરેટર ડો.નરેશ દવેએ જણાવ્યું હતું કે ફટાકડાના સ્ટોલમાં પાલિકાને આવક થતી હોય છે
ત્યારે પાલિકાના નિયમો અનુસાર ત્યાં પાણીનું ટેન્કર મૂકવાની ફરજ પણ પાલિકાની જ રહેતી હોય છે ત્યારે વડોદરામાં બનેલી દુર્ઘટનાનો દાખલો આપતાં પાટણ શહેરમાં હંગામી લાગેલા ફટાકડા બજારમાં જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકાના ચીફ ઓફિસર સહિત શાસકોની રહેશે તેમ જણાવી તાત્કાલિક ધોરણે ફટાકડા બજાર ખાતે ફાયર ફાયટરની વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી હતી.