રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર આપણી સરકારના પાંચ વર્ષ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહયા છે.જેના ભાગરૂપે આજરોજ પાટણ જિલ્લા ભાજપ અને જિૡા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં ઠેર-ઠેર વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વિવિધ લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ કરવામાં આવ્યા હતા.
ત્યારે સરકાર અને પ્રશાસન ના વિરોધમાં પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરમાં આવેલ કર્મભૂમિ સોસાયટી આગળ વિકાસ ખોજ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં છેલ્લા ત્રણ મહિનાથી ઉભરાતી ગટર લાઇનમાં વિકાસ ગાંડો થયો છે ના પોસ્ટરો લગાવી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરની કામગીરી ખોરંભે ચડી હોઇ સ્થાનિક રહીશો સાથે રાખી ધરણા પ્રદર્શન કાર્યક્રમ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.તો વિસ્તારના રહિશોએ પણ વિસ્તારની સમસ્યાને લઈને નગરપાલિકા સામે રોષ વ્યકત કર્યો હતો.વિસ્તારમાં ઘેર-ઘેર રોગચાળો ફાટી નીકળ્યો હોવાનો પણ સ્થાનિક મહિલાઆેએ આક્ષેપ કર્યો હતો.
આ કાર્યક્રમમાં માણસાના પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુુુજી ઠાકોર, ભરત ભાટીયા, અશ્વનિભાઈ પટેલ, હરેશભાઈ બારોટ, ભૂરાભાઈ સૈયદ, દિપકભાઈ પટેલ સહિત કોંગ્રેસ પક્ષના કોપોરેટર અને હોદ્દેદારો હાજર હતા.