પાટણ શહેરના ખાલકપુરા વિસ્તારના જાહેરમાર્ગ પર છેલ્લા ઘણા વર્ષોથી ભૂગર્ભના ગંદા પાણી રોડપર રેલાતા હતા જેને લઈ ગત ટર્મના બાંધકામ સમિતિના ચેરમેન ડો.નરેશ દવેએ પોતાના મત વિસ્તારનો ભૂગર્ભનો કાયમી ઉકેલ લાવવા ૧૪મા નાણાપંચની ર૦ર૦ની ગ્રાન્ટમાંથી ૬.૪૯ લાખના ખર્ચે ઈબલાતવાડાથી ખાલકપુરા જોગણી માતાના મંદિર સુધીની નવીન ૩૦૦ ડાયાની ભૂગર્ભની લાઈન મંજૂર કરાઈ હતી ત્યારે ગતરોજ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી, પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને ભૂગર્ભ સમિતિના ચેરમેન જયેશ પટેલના હસ્તે આ ભૂગર્ભ ગટર નાંખવાનું ખાતમુહર્ત શાસ્ત્રોકત વિધિ વિધાનથી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભૂગર્ભ સમિતિના ચેરમેન જયેશ પટેલે આ વિસ્તારમાં છાશવારે ભૂગર્ભના ગંદા પાણી ભૂગર્ભની ૧પ૦ ડાયાની પાઈપલાઈન હોવાથી રોડપર રેલાતા હોવાના બનાવો પ્રકાશમાં આવતા હતા જેને લઈ ૩૦૦ ડાયાની પાઈપલાઈનનું આ વિસ્તારમાં ખાતમુહર્ત કરી ટુંકજ સમયમાં આ વિસ્તારના ભૂગર્ભના જાહેરમાર્ગ પર રેલાતા ગંદા પાણીનો કાયમી ઉકેલ આવી જવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
તો આ પ્રસંગે વોર્ડ નં.૯ના કોપોરેટર અને પુર્વ બાંધકામ સમિતિના ચેરમેન ડો.નરેશ દવેએ જણાવ્યું હતું કે ગત ટર્મમાં ભૂગર્ભના ગંદા પાણીનો નિકાલ લાવવા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ દવારા ૧૪મા નાણાપંચની ગ્રાન્ટમાંથી આ કામ મંજૂર કરાયું હતું જેનું ખાતમુહર્ત નવીન બોડીના સભ્યોએ કરતાં તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં તેઓએ પાટણ શહેરના ઘણાબધા વિસ્તારોમાં આવા પ્રશ્નો ઉદભવતા હોય છે તેનો પણ કાયમી નિકાલ લાવવાની માંગ સાથે તેઓના વોર્ડ નં.૯ના ઠકકરબાપા સ્કૂલ રાધનપુરીવાસ વિસ્તારમાં પણ છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભના ગંદા પાણી રેલાતા હોવાથી શાસક પક્ષા દવારા આ વિસ્તારમાં પણ નવીન પાઈપલાઈન નાંખી તેનો પણ કાયમી નિકાલ લાવવા માંગ કરી હતી.