પાટણ : જળચોક ઠાકોરવાસમાં મુખ્ય રાઈઝીંગ પાઈપમાં ભંગાણ સર્જાતા કરાયું સમારકામ

Patan : પાટણ શહેરના જળચોક ઠાકોરવાસ ખાતે આજરોજ મોટો ભુવો પડી જતાં ભૂગર્ભ ગટરની મુખ્ય રાઈઝીંગ પાઈપ દબાઈ જવાથી તેમાં ભંગાણ સર્જાયું હતું. આ મુખ્ય્ રાઈઝીંગની પાઈપમાં ભંગાણ સર્જાતા પાટણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પાણી જાહેરમાર્ગ પર રેલાતાં હોવાના બનાવો પણ જોવા મળ્યા હતા.

ત્યારે આ અંગેની જાણ ભૂગર્ભ ગટરના ચેરમેન સહિત શાસક પક્ષાના નેતા દેવચંદ પટેલને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટરના કર્મચારીઓને ઘટના સ્થળે બોલાવી રાઈઝીંગની મુખ્ય પાઈપલાઈનના ભંગાણનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે જેસીબીની મદદથી આ પડેલા ભુવામાં ઉંડો ખાડો કરી રાઈઝીંગની મુખ્ય પાઈપલાઈનને ખુલ્લી કરી ભંગાણનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.

ત્યારે ભૂગર્ભના ચેરમેને જળચોક ઠાકોરવાસમાં ભુવો પડવાથી રાઈઝીંગની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા રેલવે, સુભાષચોક અને છીંડીયા દરવાજાના પમ્પીંગ સ્ટેશનોમાં ભૂગર્ભના ગંદા પાણી કયાંક અવરોધાતાં હોવાના બનાવો બનવા પામ્યા હતા. પરંતુ મુખ્ય રાઈઝીંગનું રીપેરીંગ કામ પૂર્ણ થયા બાદ આ સમસ્યાનો કાયમી હલ આવવાની હૈયાધારણા આપી ટુંક જ સમયમાં લોખંડની તમામ નવીન રાઈઝીંગ પાઈપો નાંખવાનું પણ જણાવ્યું હતું.