પાટણ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. મોડી સાંજે પાટણ શહેર, સિદ્ઘપુર અને ચાણસ્મામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ખેતી માટે કાચા સોનારૂપી વરસાદ વરસતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.
પાટણ પંથકમાં ચોમાસાની શરૂઆતમાં પડેલા વરસાદ બાદ મેઘરાજાએ જાણે કે પાટણવાસીઓ સાથે રિસામણા લીધા હોય એમ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ના પડવાના કારણે ખેડૂતો દ્વારા કરાયેલ વાવેતર ફેલ જવાની ભીતિ ઉભી થવા પામી હતી.તો વરસાદ નહીં વરસતા અસહ્ય ઉકળાટ વચ્ચે ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા હતા.
ત્યારે જન્માષ્ટમીની સમી સાંજે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા પવનના સુસવાટાભેર વીજળી સાથે મેઘરાજાએ પાટણ શહેર સહિત સિદ્ઘપુર અને ચાણસ્મા ધોધમાર વરસાદ થી પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.તો જગતના તાત ના ચહેરાઓ પણ ખીલી ઉઠયા હતા.પાટણ શહેરમાં ધીમી ધારે શરૂ થયેલા મેઘરાજા ને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જવા પામી હતી.
ઘણા સમયના વિરામબાદ મેઘરાજાના આગમન ને વધાવવા નાના મોટા સૌ કોઈ લોકો વરસાદમાં ભીંજાઇને મેઘરાજાના આગમનને આવકાયું હતું.