પાટણ : કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ

કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ
જિલ્લામાં ૧૦ નવા ઓક્સિજન પ્લાન્ટ્સ ઈન્સ્ટોલ કરવામાં આવશે, કુલ ૫,૫૦૦ લીટર પ્રતિ મિનીટ ઓક્સિજન ઉપલબ્ધ બનશે

કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાં દર્દીઓની સઘન સારવાર માટે ઓક્સિજન વાયુના જથ્થાની મહત્તમ જરૂરિયાત ઉભી થઈ હતી. તે જ રીતે કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરમાં પણ ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને લઈ આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલ્સમાં કુલ ૫,૫૦૦ લીટર પર મિનીટ ઓક્સિજનનું ઉત્પાદન કરતાં પ્લાન્ટ્સ ઈન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે.

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર માટે આરોગ્યલક્ષી સેવાઓ અને સુવિધાઓમાં વધારો કરવા પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં કોવિડ-૧૯ના દર્દીઓને ઓક્સિજન વાયુની વધારે જરૂરિયાત પડે તેવા સંજોગોમાં બહારથી સપ્લાય કરવામાં આવતા જથ્થા પર નિર્ભર ન રહેવું પડે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ સરકારી હોસ્પિટલ્સ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

જે અંતર્ગત જિલ્લામાં ઉપલબ્ધ વિવિધ નાણાકિય સ્ત્રોતોમાંથી ભંડોળની જોગવાઈ કરી જિલ્લાના ચાણસ્મા, લણવા, હારીજ, સમી, સાંતલપુર, વારાહી, જંગરાલ, શંખેશ્વર અને કાકોશી ખાતે હવામાંથી ૫૦૦ લીટર ઓક્સિજન પર મિનીટ ઉત્પાદન ક્ષમતા ધરાવતા કુલ ૦૯ તથા સિદ્ધપુર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ૧,૦૦૦ લીટર ઓક્સિજન પર મિનીટ ઉત્પાદન ક્ષમતા ધરાવતો ૦૧ એમ કુલ ૧૦ ઓક્સિજન પ્લાન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. જેનાથી આગામી દિવસોમાં જિલ્લાની સરકારી હોસ્પિટલ્સમાં ૫,૫૦૦ લીટર પ્રતિ મિનીટ ઓક્સિજન ઉત્પાદન કરતાં ઓક્સિજન પ્લાન્ટ ઉપલબ્ધ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here