પાટણ શહેરના હાર્દસમા એવા બગવાડા દરવાજા પાસે વર્ષોથી ઈકબાલભાઈ મન્સુરી નામનો ઈસમ ચાની લારી ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહયા છે
ત્યારે બગવાડા પોલીસ ચોકીની બાજુમાં જ આવેલી આ ચાની લારીના કેબીનમાં મૂકેલા ગેસના બે ખાલી અને એક ભરેલા સિલીન્ડર મૂકીને તેઓ રાત્રે ઘરે ગયા હતા ત્યારે આજરોજ વહેલી સવારના પાંચ કલાકે તેઓ ચાની લારી ખોલવા આવતાં લારીનું તાળુ તૂટેલુ જોયું હતું અને લારીનો સર-સામાન પણ અસ્તવ્યસ્ત જોવા મળતાં તેઓ ચોંકી ઉઠયા હતા અને લારીમાં તપાસ કરતાં ત્રણ ગેસના બાટલામાંથી એક ગેસનો ભરેલો બાટલો જોવા ન મળતાં ગેસના બાટલાની ચોરી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
જેથી તેઓએ એ ડિવીઝન પોલીસ મથકે પોતાની ચાની લારીનું તાળુ તોડી અંદર પડેલ ગેસનો ભરેલો બાટલો અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ પણ નોંધાવવા એ ડિવીઝન પોલીસ મથકે દોડી ગયા હતા.
આમ બગવાડા પોલીસ ચોકીની બાજુમાં જ આવેલી ચાની લારીમાં ગેસના ભરેલા બાટલાની ચોરી થતાં પોલીસ પેટ્રોલીંગ સામે પણ પ્રશ્નો ઉદભવ્યા છે. અને પોલીસ ચોકીની બાજુમાં જ તસ્કરોએ ચોરીને અંજામ આપી પોલીસને તસ્કરો દ્વારા ચેલેન્જ આપવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ રહયું છે.