Patan : પાટણ શહેરમાં ચકચાર મચાવનાર પ્રેમિકાના ભાઈ વિષ્ણુજી ઠાકોર અને તેના સાગરિત અલ્કેશ ભાટિયા દ્વારા રાહુલ ઠાકોર નામના પ્રેમી ની છરી મારી કરાયેલ હત્યાના બનાવમાં પાટણ એલસીબી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બંને આરોપીને ઝડપી પાટણ એ ડિવિઝન પોલીસ ને સોપવામાં આવ્યા હતા. ત્યારે બનાવની ગંભીરતા ને ધ્યાનમાં લઈને બંને આરોપી વિષ્ણુજી ઠાકોર અને તેના સાગરીત અલ્કેશ ભાટિયાને મંગળવારે બનાવની તપાસ કરનાર એ ડિવિઝન પીઆઈ આર એમ પરમાર દ્વારા પાટણ કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગતા પાટણ કોર્ટના જજ જાની દ્વારા બંન્ને આરોપીના તારીખ 19 મે બપોરના 3-00 વાગ્યા સુધી ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું ગુનાની તપાસ કરી રહેલા એ ડિવિઝન પીઆઈ આર એમ પરમારે જણાવ્યું હતું.
પાટણ કોર્ટ દ્વારા બંને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોય બંને આરોપીની સધન પૂછપરછ હાથ ધરી ગુનાની સત્યતાને બહાર લવાશે તેવું તપાસ કરનાર એ ડિવિઝન પીઆઈ આર એમ પરમારે જણાવ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
પાટણ શહેરના પીપળાશેર ઠાકોરવાસમાં રહેતા રાહુલ બાલુભાઈ ઠાકોર ઉંમર વર્ષ 25 રવિવારની સાંજે પોતાના મિત્ર સાથે શહેરના કનસડા દરવાજા નજીક આવેલી લાઇબ્રેરી પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક્ટિવા પર આવેલા વિષ્ણુએ એકદમ ઉશ્કેરાઈ જઈ રાહુલના છાતીના ભાગે છરીથી હુમલો કર્યો હતો. જે બાદ ઝપાઝપી થતા રાહુલ વધુ મારથી બચવા રતનપોળ બાજુ ભાગી રહ્યો હતો. ત્યારે આરોપી તેની પાછળ ભાગ્યો હતો.
રાહુલ બેભાન થતા ત્યા જ ઢળી પડ્યો હતો. જોકે, આ દરમિયાન લોકોએ હોબાળો કરતા આરોપી ભાગી ગયો હતો. ત્યારે આ ઘટના મામલે પ્રેમ પ્રકરણમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીની બહેન સાથે રાહુલને પ્રેમ સંબંધ હોય તેની અદાવતના છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું.