પાટણ : દિવાસા મહાપર્વની સાદગીપૂર્ણ રીતે કરાઈ ઉજવણી

અષાઢ વદ-ચૌદશના દિવસે દેવીપૂજક સમાજનું મહાપર્વ દિવાસાનું પર્વ પાટણ શહેરમાં ભકિતભાવથી ઉજવાતો હોય છે ત્યારે દિવાસાના પર્વને લઈ દેશભરમાં ધંધા અને વ્યવસાય અર્થ રહેતાં દેવીપૂજક સમાજના લોકો પાટણની પવિત્ર ભૂમિ પર મૃતક સ્વજનોને શ્રધ્ધાંજલિ આપવા માટે મોટીસંખ્યામાં પાટણ આવતા હોય છે ત્યારે સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈ વહીવટી તંત્ર સહિત આરોગ્ય તંત્ર સજજ બન્યું છે

ત્યારે સંભવિત ત્રીજી લહેરને લઈને દેવીપૂજક સમાજનું મહાપર્વ દિવાસો રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય સમાજે લીધો હતો અને દેશભરમાંથી આવતાં દેવીપૂજક સમાજના લોકો પર રોક લગાવી પોતાના નિવાસ સ્થાને જ પોતાના મૃતક સ્વજનોને શ્રધ્ધાંજલિ આપી સંભવિત કોરોનાની ત્રીજી લહેરથી બચવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ત્યારે આજરોજ દિવાસાના મહાપર્વને લઈ પાટણ શહેર સહિત આજુબાજુના દેવીપૂજક સમાજના લોકો દ્વારા સરકારની કોરોનાની ગાઈડલાઈનનું સંપૂૂર્ણ પણે પાલન કરી છુટા છવાયા રીતે ફુલણીયા હનુમાનના મંદિર પાસે આવેલ દેવકાહર ધામની બાજુમાં આવેલ સ્મશાન ગૃહમાં પોતાના સ્વજનોને શ્રધ્ધાંજલિ પાઠવી દિવાસા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેવીપૂજક સમાજના આગેવાન અને પૂર્વ પાલિકા ઉપપ્રમુખ દિનેશ પટણીએ જણાવ્યું હતું કે આદિઅનાદી કાળથી દેવીપૂજક સમાજ દ્વારા અષાઢ સુદ-તેરસના દિવસે ઝંડાવાળી માતાના મંદિરેથી વાજતે ગાજતે નેજુ અને ટોપલા ઉજાણી નિકળતી હોય છે તે પણ સાદગીપૂર્ણ રીતે કાઢી હડકાઈ માતાના મંદિર ખાતે લાવવામાં આવી હતી અને આજે ચૌદશના દિવસે દિવાસાના પર્વનું પણ સાદગીપૂર્ણ રીતે કોરોનાની ગાઈડલાઈન મુજબ ઉજવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

તો રમેશભાઈ પટણીએ ચાલુસાલે સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈ દિવાસાનું મહાપર્વ સાદગીપૂર્ણ રીતે છુટા છવાયા પોતાના મૃતક સ્વજનોને શ્રધ્ધાંજલિ આપી ઉજવવામાં આવ્યું હોવાનું જણાવી દેવીપૂજક સમાજના વેપારીઓ, ફેરીયાઓ અને લારી ધારકોને વહેલી તકે કોરોનાની વેકિસન લઈ સમાજને અને શહેરને સુરક્ષિાત કરવા આહવાન કર્યું હતું.