પાટણ નગરપાલિકાની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં નગરપાલિકામાં કોરોના મહામારી નાં સમયે હંગામી નિમણૂક કરવામાં આવેલા ૪૦ સફાઈ કર્મચારીઓ ને ફરજ પરથી છૂટા કરવા સવાનુમતે નિર્ણય લેવાયો હતો જેને લઇને પાલિકા નાં સફાઈ કર્મચારી મંડળમાં રોષ સાથે છુટા કરાયેલા સફાઈ કર્મચારીઓને ર૪ કલાકમાં ફરજ પર પરત લેવામાં નહીં આવે તો સફાઈ કર્મચારીઓ દ્વારા શહેરની તમામ કામગીરી બંધ કરી દેવાની ચીમકી આપવામાં આવી હતી જે ચિમકી આગળ મંગળવારના રોજ પાલિકા ઝુકી હોય તમામ સફાઈ કર્મચારીઓ ને પુન: ફરજ પર લેવામાં આવ્યા હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ નગરપાલિકાની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં નગરપાલિકામાં કોરોના કાળ દરમિયાન ફરજ બજાવતા ૧૧ માસ ના કરાર આધારિત હંગામી સફાઈ કર્મચારીઓ ૪૦ જેટલા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવતાં પાલિકાના સફાઈ કર્મચારી મંડળમાં રોષ જોવા મળ્યો હતો.
જેને લઇને પાલિકાના સફાઈ કર્મચારી મંડળ દ્વારા સોમવારે પાલિકા પ્રમુખને તેમજ ચિફ ઓફિસરને નગરપાલિકા માંથી હંગામી ધોરણે કામ કરતાં ૪૦ જેટલા સફાઈ કર્મચારીઓને છૂટા કરવાની બાબતને લઈ રજૂઆત કરવામાં આવી હતી અને છૂટા કરાયેલા કર્મચારીઓને ર૪ કલાકના સમયમાં તાત્કાલિક ધોરણે ફરજ ઉપર પાછા લેવામાં નહીં આવે તો
આગામી દિવસોમાં સફાઈ કર્મચારીઓ દ્વારા તમામ પ્રકારની કામગીરી બંધ કરી દેવાની ચિમકી આપવામાં આવી હતી ત્યારે પાલિકા એ દિવાળી ના તહેવારો અને સફાઈ કર્મચારી મંડળની ચિમકી આગળ શરણાગતિ સ્વીકારી છુટા કરવામાં આવેલા ૪૦ કર્મચારીઓ ને પરત લેવાનો મંગળવારના રોજ નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ આગામી મળનારી સામાન્ય સભા માં આ સફાઈ કામદારો ને પરત નોકરી પર તેઓની મુદત પૂરી થઈ ગયેલ તારીખથી લેવા ઠરાવ કરવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું.