પાટણ શહેરમાં વર્ષોથી માટીમાંથી મૂર્તિઓ અને રમકડાં બનાવતા ઓતિયા સમાજના કારીગરો આગામી વિધ્નહત ગજાનન ગણેશજી પાવન પર્વ ગણેશ ચતુર્થીને લઈ માટીમાંથી મૂર્તિઓ બનાવવાના કામમાં લાગી ગયા છે. શહેરમાં રહેતા ઓતિયા સમાજના ચાર જેટલા પરિવારોના પૂર્વજો કાનુડો, દશા માતાજીની મૂર્તિ સહિત અન્ય ચીજ વસ્તુઓ બનાવતા હતા. આજે પણ બાપદાદાની વર્ષો જૂની માટીમાંથી વિવિધ વસ્તુ બનાવવાની પરંપરા જાળવી રાખી છે.
હિન્દુ ધર્મના વિવિધ ધાર્મિક તહેવારોમાં આ માટીકામના કારીગરો વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવી તેનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તાજેતરમાં જ દશામાંના વ્રતમાં આ કારીગરોએ માટીમાંથી માતાજીની સુંદર મૂર્તિઓ બનાવી હતી અને હવે આગામી ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિ ભગવાનની આરાધનાનું પવિત્ર પર્વ ગણેશચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. જેથી ઓતિયા પરિવારના માટીકામના કારીગરોએ માટીમાંથી ગણપતિ દાદાની વિવિધ મુદ્રાઓ વાળી મૂર્તિયો બનાવવાના શ્રી ગણેશ કર્યાં છે.
મૂર્તિ કાર નવીનભાઈ ઓતિયાએ જણાવ્યું હતું કે, હવે લોકોમાં પાર્વરણ પ્રત્યે જાગૃતતા આવતા તેવો પીઓપીની જગ્યાએ માટીમાંથી તૈયાર કરવામાં આવેલી મૂર્તિ ઓ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જેથી અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવતા હોવાથી તેમજ માટીમાંથી બનતી મૂર્તિ બનાવવામાં એક અઠવાડિયાનો સમય લાગતો હોવાથી એક મહિનાથી ગણેશની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવું પડે છે.
શહેરમાં ઓતિયા પરિવારના નવીનભાઈ ઓતિયા તેમના બે પુત્રો સાગર અને ચિરાગ તેમજ નરેશભાઈ ઓતિયા, પેમેન્દ્રભાઈ ઓતિયા, ચંપકલાલ ઓતિયા વર્ષોથી માટીની મૂર્તિઓ બનાવે છે.
મૂર્તિ કાર નવીન ઓતિયાએ જણાવ્યું કે, સૌ પ્રથમ જાળેશ્વર પાલડીના તળાવમાંથી ચીકણી માટી લાવીએ છીએ તેને થોડા દિવસ પાણીમાં પલાળવામાં આવે છે. પછી તેને ચારણી વડે ચાળી લઈ માટીને પગ વડે ખૂદી તેયાર કરવામાં આવે છે. પછી તે માટીમાંથી મૂર્તિઓ બનાવવામાં આવે છે.
નવીન ઓતિયાના જણાવ્યાં અનુસાર એવા કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે કે કેટલાક લોકો વિસજિત કરવામાં આવેલી પી ઓ પી ની મૂર્તિઓને લાવી તેના પર નવો કલર કરી તેને સસ્તા ભાવે લોકોને વેચે છે. હવે લોકોને આ બાબતની જાણ થતાં લોકો હવે માટીમાંથી બનાવેલી મૂર્તિઓ ખરીદે છે. માટીની મૂર્તિનું આપણે ઘરમાં પણ વિસર્જન કરી શકીએ છીએ. તેમજ તેનાથી પ્રદુષણ પણ થતું નથી. પીઓપીની મૂર્તિ રૂપિયા ર૦થી લઈ ૩ હજારમાં વેચાય છે.
જયારે માટીની મૂર્તિ રૂ.૧૦૦ થી પ હજારમાં વેચાય છે.
ગણેશચતુર્થીને લઈ કારીગરો ગણપતિની વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવી રહ્યાં છે. જેમાં બાહુબલી અવતાર, ગણપતિ સિહાસન, શંખ, ડમરુ, શેષનાગ પર બિરાજમાન હોય તેવી વિવિધ મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે.