પાટણ : પચકવાડાના તલાટી કમ મંત્રીની બદલી કરવા ગ્રામજનોએ કરી માંગ

પાટણ જિલ્લાના સિદ્ઘપુર તાલુકાના પચકવાડા ગામના મહિલા તલાટીકમ મંત્રીની તાત્કાલિક અસર થી બદલી કરવા ગામજનો દ્વારા પાટણ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

પચકવાડા ગામના તલાટી કમમંત્રી નીતાબેન દેસાઈ સામે ગામલોકોએ ગંભીર આક્ષેપો કરી પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.જેમાં ગામલોકોએ જણાવ્યું હતું કે પચકવાડા ગામના તલાટી ગામના કોઈપણ કામ કરતા નથી અને અઠવાડિયામાં એક દિવસ માત્ર ર કલાક હાજરી આપે છે.

કોઈપણ વ્યિક્ત પોતાના કામ માટે ગામ પંચાયતમાં જાય તો છેડતી કરવાની ખોટી ફરિયાદ કરવાની પણ ધમકી તલાટી દ્વારા આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ ગામલોકો દ્વારા કરવામાં આવ્યા હતા.અને તાત્કાલિક અસર થી તલાટીની બદલી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે ગામલોકો દ્વારા આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગામલોકો જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરવા આવ્યા હતા.