Patan : પાટણની ઐતિહાસિક અને વિશ્વ ધરોહર રાણીની વાવનાં અને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચિત અને સંભવિત મુલાકાત અંગે હજુ કોઈ સત્તાવાર કાર્યક્રમ પાટણ જિલ્લા વહિવટીતંત્ર પાસે આવ્યો નથી એટલે હજુ મોદી પાટણ આવશે કે કેમ તે હજુ નક્કી નથી. પરંતુ મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ આગામી તા.9-1-24નાં રોજ પાટણ આવી રહ્યા છે તે અંગેની જાણકારી પાટણનાં વહિવટીતંત્ર અને નગરપાલિકાને સાંપડી છે અને તેમનાં આગમનની તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરુ થઇ ચૂક્યું છે.
સમિટ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટણની મુલાકાતે આવે તેવી સંભાવના
ગાંધીનગર ખાતે તા. 10થી 12 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાની છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશી મહાનુભાવો, રાજદ્વારીઓ ઉપસ્થિત રહેવાનાં છે. ત્યારે આ સમિટ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશી મહેમાન પાટણની મુલાકાતે આવે તેવી સંભાવનાઓ દર્શાવીને પાટણનાં માર્ગ મકાન વિભાગે સંબંધિત તંત્ર અને નગરપાલિકાને તેઓનાં રુટનાં માર્ગોની મરામત અને તેની સપાટી યોગ્ય રીતે જળવાય તેવી વ્યવસ્થા તે કરવા જાણ કરાઇ હતી.
હેલીપેડ ખાતે સાફસફાઈ અને ડોમ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી
વડાપ્રધાન પાટણ આવશે કે નહિં તે અંગે હજુ કોઈ સંકેત મળ્યા નથી. પરંતુ મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ તા.9મી જાન્યુઆરીએ પાટણ આવતાં હોવાથી અને મોદીની સંભવિત પાટણ મુલાકાતને લઇને પાટણનાં વહિવટી તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. જેનાં ભાગરુપે વડાપ્રધાન અને મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ પાટણમાં ક્યાંથી પ્રવેશશે તે પણ નિશ્ચિત નથી. પરંતુ પાટણ- ચાણસ્મા હાઇવે ઉપર લીલીવાડી પાસેનાં માર્ગ મકાન વિભાગ હસ્તકનાં બે મોટા વિશાળ સ્પિડબ્રેકરોને જેસીબીથી તોડવામાં આવ્યા હતા. તો હેલોપેડ ખાતે પણ સાફસફાઈ અને ડોમ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જ્યારે પાટણ નગરપાલિકા હસ્તકની કામગીરી અંતર્ગત પાટણનાં હારીજ-કુણઘેર રોડથી મોતીશા ગેટ થઇને જીમખાનાવાળા રોડનું પણ સમારકામ યુધ્ધનાં ધોરણે કરવામાં આવશે તેવા સંકેતો સાંપડયા છે. હારીજ-પાટણના ત્રણ રસ્તા સુધી માર્ગ મકાન વિભાગ અને અત્રેથી મોતીશા ગેટ થઇ જીમખાના નગરપાલિકાની પાછળ થઇને કાળકા મંદિર થઇને રાણીની વાવ જતાં હાલનાં હેરિટેજ રોડનાં સમારકામ માટે તાકિદનું કામ હોવાથી ને હવે માત્ર ચારેક દિવસ બાકી હોવાથી યુધ્ધનાં ધોરણે કામ કરવું પડે તેમ હોવાથી આ અંગે પાટણ નગરપાલિકાના તમામ સભ્યોનો એક સરક્યુલર ઠરાવ કરી આ તાકીદનાં કામને મંજુરી અપાવવામાં આવી છે અને કામ પણ શરૂ કરાયું હોવાનું નગર પાલિકા પ્રમુખે હિરલ બેન પરમારએ જણાવ્યું હતું.