નો પાર્કિંગમાં પડેલી બ્લેક ફિલ્મ લગાવેલી PSIની ‘સ્કોર્પિયો’ને પોલીસ ઉઠાવી ગઈ અને પછી…

Surat PSI black scorpio
- Advertisement -

This browser does not support the video element.

પોલીસ નાગરિકોને ટ્રાફિકના કાયદાનો ડંડો બતાવી નાની સરખી ભૂલ માટે પણ મેમો ફાડતી હોય છે. જોકે, ઘણા પોલીસકર્મીઓ જાણે પોતાને કોઈ કાયદો લાગુ ના પડતો હોય તેમ સરેઆમ તેનો ભંગ કરતા હોય છે. વળી, આવા પોલીસકર્મીઓ કે અધિકારીઓ વિરુદ્ધ ભાગ્યે જ કોઈ કાર્યવાહી થતી હોય છે. જોકે, સુરત(Surat)માં બનેલી એક ઘટનામાં રોંગ સાઈડમાં નો પાર્કિંગમાં પાર્ક કરેલી એક PSIની કહેવાતી સ્કોર્પિયોને ટ્રાફિક પોલીસે ટૉ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરતના એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનની સામે નો પાર્કિંગમાં પડેલી એક સ્કોર્પિયો(Scorpio) ગાડીનો વિડીયો બનાવવામાં આવ્યો હતો. આ ગાડીના કાચ પર નિયમ વિરુદ્ધ ડાર્ક ફિલ્મ લગાડવામાં આવી હતી. એટલું જ નહીં, તેમાં પોલીસ લખેલું એક પાટીયું પણ મૂકવામાં આવ્યું હતું. વિડીયો બનાવનારાનો દાવો છે કે આ ગાડી સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જેબલિયાની છે. આ કારનું PUC પણ એક્સપાયર થઈ ગયું હોવાનું તેમણે પોતાના વિડીયોમાં જણાવ્યું હતું.

ગાડી નો પાર્કિંગ(Parking)માં પડેલી હોવા ઉપરાંત તેમાં બીજા પણ કેટલાક નિયમોનો ભંગ થયો હોવાથી મેહુલ બોઘરાએ ટ્રાફિક હેલ્પલાઈન પર ફોન કરીને આ મામલે ફરિયાદ કરી હતી. ત્યારબાદ ટ્રાફિક વિભાગની ટોઈંગ વાન ઘટનાસ્થળે આવી પહોંચી હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે, ટ્રાફિક પોલીસના કર્મચારી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ જેબલિયાને બોલાવવા જાય છે. જોકે, તેઓ બહાર નથી આવતા.

આખરે આ ગાડીને ટો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમયે આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા, અને પીએસઆઈની બ્લેક સ્કોર્પિયો ચર્ચાનો વિષય બની ગઈ હતી. ટ્રાફિક શાખાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ગાડી નો પાર્કિંગમાં પડેલી હતી તેમજ તેના પર ડાર્ક ફિલ્મ પણ લગાડેલી હોવાથી નિયમ અનુસાર, તેને ટૉ કરીને 1500 રુપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.