સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે નરેન્દ્ર મોદી સરકારના આવતા પાંચ વર્ષના પ્લાનની રજૂઆત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અભિભાષણ દરમિયાન તેઓ મોબાઈલ જોતા જોવા મળ્યાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક કલાકથી વધુનું ભાષણ આપ્યું હતું. તે દરમિયાન રાહુલ ગાંધી 24 મિનિટ સુધી તેમના મોબાઈલમાં વ્યસ્ત રહ્યા હતા.
રાષ્ટ્રપતિના વક્તવ્ય દરમિયાન એક પણ વખત રાહુલ ગાંધી પાટલી થપથપાવી નહોતી. ભાષણ પુરુ થયુ ત્યારે તેમણે બેન્ચ પર ગણતરીની સેકન્ડો માટે હાથ મુકયો હતો. જોકે સોનિયા ગાંધીએ સંસદમાં આ વખતે સૌથી વધુ મહિલા સાંસદો અને મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરરિસ્ટ જાહેર કરવાના મુદ્દે બેન્ચ થપથપાવીને સમર્થન આપ્યુ હતુ. ઉરી સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ થયો ત્યારે પણ સોનિયા ગાંધી સહિત મોટાભાગના સાંસદોએ બેન્ચ થપથપાવી હતી. તે વખતે પણ રાહુલ મોબાઈલમાં મશગૂલ રહ્યા હતા.
રાહુલ ગાંધી સામે સોનિયા ગાંધીએ આ દરમિયાન ઘણી વખત જોયુ પણ હતુ. જોકે રાહુલ મોબાઈલમાં વ્યસ્ત દેખાયા હતા. રાહુલ ગાંધી મંચ પરની તસવીરો પાડીને સોનિયા ગાંધીને બતાવવામાં વધારે વ્યસ્ત જોવા મળ્યા હતા.
ભાષણ પુરૂ થયુ ત્યારે રાહુલ ગાંધી ચાલવા માંડ્યા હતા. સોનિયા ગાંધીએ તેમને ઈશારો કરીને રોક્યા હતા અને કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ અભિવાદન કરવા આવી રહ્યા છે. એ પછી રાષ્ટ્રપતિ સાથે રાહુલ ગાંધીએ હાથ મિલાવ્યો હતો.
જોકે રાહુલના આ વ્યવહારની ટીકા પણ થઈ રહી છે. કારણકે તમામ સંસદ સભ્યો ભાષણ સાંભળવામાં વ્યસ્ત હતા ત્યારે કદાચ એક માત્ર રાહુલ ગાંધી જ મોબાઈલ પર વ્યસ્ત હતા.
24 મિનિટ સુધી મોબાઈલ સ્ક્રોલ અને કશુંક ટાઈપ કર્યા પછી આગામી 20 મિનિટ સુધી તેઓ બાજુમાં બેઠેલા સોનિયા ગાંધી સાથે કંઈક વાતો કરતા રહ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિનું અભિભાષણ ચાલતુ હતું. રાહુલ ગાંધીએ એક વાર પણ રાષ્ટ્રપતિના અભિભાષણમાં બેન્ચ નહતી થપથપાવી. માત્ર છેલ્લે એક સેકન્ડ માટે બેન્ચને હાથ લગાવ્યો હતો. જોકે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ અંદાજે 6 વખત બેન્ચ થપથપાવી હતી. 17મી લોકસભા ચૂંટણીમાં વધુ મહિલા સાંસદને ચૂંટવામાં આવ્યા અને મસૂદ અઝહરને આતંકી જાહેર કરવાની વાતને સોનિયા ગાંધીએ વધાવી લીધી હતી. જોકે આ દરમિયાન રાહુલ ગાંધી તેમનો મોબાઈલ જોતા રહ્યા હતા.