દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતનો ટેબ્લો : મોઢેરાનું સૂર્યમંદિર – Republic Day

પોસ્ટ કેવી લાગી?

દિલ્હીમાં પ્રજાસત્તાક (Republic Day) પર્વની પરેડમાં ગુજરાતનો ટેબ્લો : મોઢેરાનું સૂર્યમંદિર (Sun Temple of Modhera)

આબેહૂબ શિલ્પ-સ્થાપત્ય અને ઊર્જાવાન ટિપ્પણી નૃત્યથી શોભિત ગુજરાતનો ટેબ્લો દિલ્હીમાં આકર્ષણનું કેન્દ્ર

નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર (Sun Temple of Modhera) રાજપથની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયસમા મોઢેરાના સૂર્યમંદિરની આબેહૂબ ઝલક ટેબ્લોમાં ઉજાગર કરવામાં આવી છે.

લગભગ ૬૦ જેટલા કલાકારોએ ત્રણ મહિનાની સમર્પિત મહેનતથી આ ટેબ્લોને સજાવ્યો છે. દર વર્ષે ૨૬મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ટેબ્લોની પરિકલ્પના અને પ્રસ્તુતિ કરાય છે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાસે મોઢેરામાં પુષ્પાવતી નદીના કિનારે સોલંકી રાજવંશના રાજા ભીમદેવ (પહેલા)એ આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાં ૧૦૨૬-૨૭માં આ સૂર્યમંદિર બંધાવ્યું હતું, જેનું નિર્માણ ઓરિસ્સાના કોણાર્ક સૂર્યમંદિર કરતાં પણ અગાઉ થયું હોવાનું મનાય છે. મરુ-ગુર્જર શૈલીના આ મંદિર પરિસરમાં ગર્ભગૃહ, સભામંડપ અને સૂર્યકુંડ મુખ્ય છે.

પથ્થરોમાં જાણે કવિતા કંડારેલી હોય એવા આ સ્થાપત્યના સુપ્રસિદ્ધ સભામંડપમાં વર્ષના ૫૨ સપ્તાહના પ્રતિક સમા ૫૨ નકશીદાર સ્તંભો છે, જેના પર રામાયણ, મહાભારત અને કૃષ્ણલીલાના દૃશ્યોની કોતરણી છે. ટેબ્લોના મુખ્ય ટ્રેલર ભાગમાં વિશાળ સભામંડપ શોભાયમાન છે જ્યારે ટ્રેક્ટર પાર્ટમાં કીર્તિતોરણ જેવા બે સ્તંભ દર્શાવવામાં આવ્યા છે.

ટેબ્લો પર અગ્રણી શિલ્પકારોએ ફાઇબર કાસ્ટિંગથી સુર્યમંદિરનું (Sun Temple of Modhera) હૂબહુ નિર્માણ કર્યું છે. પથ્થર જેવી પ્રતિકૃતિનું નિર્માણ કરવા માટે ધોલપુર સ્ટોન ટેક્ષ્ચર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એલ.ઈ.ડી. ફ્લડ લાઈટ્‌સથી ટેબ્લો પરનું સૂર્યમંદિર દૈદીપ્યમાન છે.

મોઢેરાના સૂર્યમંદિરના ટેબ્લો સાથે ૧૨ મહિલા કલાકારો ટિપ્પણી નૃત્ય પ્રસ્તુત કરશે. પરંપરાગત જીમી પહેરવેશમાં સજ્જ આ ગુજરાતી બહેનોની ટિપ્પણીના ટાપથી રાજપથ ગાજી ઉઠશે. આ ટિપ્પણી નૃત્ય માટે ખાસ ગીતનું આલેખન કરવામાં આવ્યું છે. “સૂર્યદેવના તેજ છે અદકેરાં, હેંડોને જઇએ સૌ મોઢેરા…” એવા શબ્દોથી સમગ્ર વિશ્વના પ્રવાસીઓને ગુજરાતના મોઢેરા પધારવાનું આહ્‌વાન કરવામાં આવ્યું છે.

માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રી અશ્વિની કુમાર અને માહિતી નિયામક શ્રી અશોક કાલરિયાના માર્ગદર્શન હેઠળ અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ, નાયબ માહિતી નિયામક શ્રી પંકજ મોદી અને શ્રી હિરેન ભટ્ટ તથા સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝીંગ પ્રા.લિ.ના શ્રી સિદ્ધેશ્વર કાનુગા અને તેમની ટીમે ટેબ્લો તૈયાર કરવામાં ભારે જહેમત ઉઠાવી છે.

શિલ્પકાર, ચિત્રકાર, ફેબ્રિકેટર, મિસ્ત્રી અને અન્ય કારીગરો સહિત ૬૦ જેટલા કલાકારો અત્યારે નવી દિલ્હીમાં આ ટેબ્લોને આખરી ઓપ આપી રહ્યા છે. સૂર્યમંદિર જેવા જ આબેહૂબ શિલ્પ-સ્થાપત્ય અને ઊર્જાવાન ટિપ્પણી નૃત્યથી ગુજરાતનો ટેબ્લો નવી દિલ્હીના રાજપથની શોભા વધારશે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures