બે તાલુકાની ત્રણ આઉટપોસ્ટના સમાવેશ સાથે ૪૯ ગામોની કાયદો અને વ્યવસ્થાની દેખરેખ માટે ૫૭ પોલીસકર્મીઓ ફરજ બજાવશે

કુણઘેર ખાતે રૂ.૩૫ લાખના ખર્ચે નવનિર્મિત આઉટપોસ્ટના મકાન તથા સ્ટાફ ક્વાર્ટર્સની તકતીનું ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે અનાવરણ


પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા ખાતે આવેલા ચોરમારપુરા ગામે સરસ્વતી તાલુકાના નવા પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, વહિવટી સરળતા ખાતર ઉભા કરવામાં આવેલા આ નવીન પોલીસ સ્ટેશનથી તાલુકાના ૪૯ ગામના પ્રજાજનોને વધુ સારી સલામતી સેવાઓ પૂરી પાડી શકાશે. આનાથી પ્રજાને પડતી અસુવિધાઓ પોલીસ દ્વારા સત્વરે દૂર કરી શકાશે.

સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે વાગડોદ પોલીસ સ્ટેશન હસ્તકના સરીયદ અને વાયડ આઉટપોસ્ટ તથા પાટણ પોલીસ સ્ટેશન હસ્તકના વામૈયા આઉટપોસ્ટનો સમાવેશ કરી શરૂ કરવામાં આવેલા આ પોલીસ સ્ટેશનમાં ૫૭ જેટલા પોલીસ અધિકારીશ્રીઓ તથા પોલીસકર્મીઓ ફરજ બજાવશે. આ સાથે ગૃહ રાજ્ય મંત્રી દ્વારા કુણઘેર ખાતે રૂ.૩૫ લાખના ખર્ચે નવનિર્મિત આઉટપોસ્ટના મકાન તથા સ્ટાફ ક્વાર્ટર્સની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સરસ્વતી ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. મંત્રીએ બેન્ડનું નિરિક્ષણ કરી તેની કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રદેશ સંગઠન ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, સંગઠનના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ સહિતના પદાધિકારીઓ, રેન્જ આઈ.જી. જે.આર.મોથલિયા, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024