પાટણ (Patan) જિલ્લાના તાલુકા મથક સિદ્ઘપુર ખાતે તાજેતરમાં અખાધ ગોળ મળી આવ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે ઘટના હજી માનસપટ પરથી ભુંસાઈ નથી ત્યાં મંગળવારના રોજ સિદ્ઘપુર પોલીસ દ્વારા વધુ એક વખત અખાધ ગોળનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે રૂ.ર લાખ ૯૩ હજાર ૬પ૦નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે મળતી હકીકત મુજબ સિધ્ધપુર પી.આઈ. ચિરાગ ગોસાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સિદ્ઘપુર શહેરના માર્કેટયાર્ડની દુકાન નંબર ૧૧૦માં અખાધ ગોળનો જથ્થો ટ્રકમાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે જેતપુર સહિતની ટીમે સિદ્ઘપુર માર્કેટયાર્ડની દુકાન ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી હતી.
પોલીસે તપાસ હાથ ધરતા ટ્રકમાંથી ઉતારવામાં આવી રહેલી અખાધ ગોળની ૯૪૭ પેટી જેની કિંમત રૂપિયા રૂ.ર લાખ ૯૩ હજાર ૬પ૦નો મુદ્દામાલ મળી આવતા પોલીસ દ્વારા અખાધ ગોળનો જથ્થો સીલ કરી એફએસએલ માટે સેમ્પલ લઇ પથકરણ માટે મોકવામાં આવ્યાં હતાં અને માર્કેટયાર્ડની દુકાન નં ૧૧૦નાં માલિક વિનોદકુમાર સુંદરલાલ ભોજાણી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.