US H1B Visa : અમેરિકાના H1B વિઝાની હંમેશાથી ભારે ડિમાન્ડ રહી છે. ટેકનિકલ સેક્ટરમાં કામ કરતા લોકો આ વિઝાની મદદથી અમેરિકા જાય છે અને પછી તેમના માટે આગળની પ્રગતિના માર્ગ ખુલી જાય છે. H1B વિઝા લોટરી સિસ્ટમથી (us h1b visa lottery) અપાય છે તેથી તેની માંગ કરતા સપ્લાય ઓછો હોય છે. પરંતુ તમે કેટલાક માર્ગ અપનાવીને આ સિસ્ટમમાં તમારી પસંદગી થાય તેવો ચાન્સ વધારી શકો છે. એક્સપર્ટ કહે છે કે એક જ કર્મચારી માટે H1-B વિઝા માટે એક કરતા વધુ એમ્પ્લોયર પાસેથી અરજી કરાવવામાં આવે તો સિલેક્ટ થવાની શક્યતા વધી જાય છે.
H1-B વિઝા બહુ લિમિટેડ પ્રમાણમાં મળે છે તેથી આ એક ચેલેન્જિંગ કામ છે. ઈમિગ્રેશન બાબતના એક્સપર્ટ કહે છે કે લોટરી સિસ્ટમમાં એક જ વ્યક્તિ માટે એકથી વધુ અરજીઓ થાય તો ચાન્સ વધી જાય છે. ધારો કે તમે એક લોટરીની ટિકિટ ખરીદો છો તો તમને લોટરી લાગવાની શક્યતા ઓછી હોય છે. પરંતુ તમે 10 ટિકિટ ખરીદો તો તમને સફળતા મળવાની શક્યતા 10 ગણી વધી જાય છે.
એક જ વ્યક્તિ માટે મલ્ટિપલ એમ્પ્લોયર H1-B લોટરીની અરજી કરે તેવું દરેક કિસ્સામાં શક્ય નથી. બે એમ્પ્લોયર એકબીજા સાથે રિલેટેડ ન હોય ત્યારે તેઓ એક જ વ્યક્તિ માટે લોટરીની અરજી ફાઈલ કરી શકે. તેઓ એકબીજા સાથે સંકળાયેલા હશે તો તેઓ સિસ્ટમમાં ચેડા કરે છે તેવી શંકા જશે અને તમને વિઝા મળવાના ચાન્સ ઘટી જશે. એટલું જ નહીં, બંને એમ્પ્લોયરમાં કોમન સ્ટોકહોલ્ડર હોય, એક સરખા ઓફિસર હોય અને એક સરખા પ્રોજેક્ટ હોય તો પણ કાયદાનો ભંગ થયો ગણાશે.
એમ્પ્લોયરે USની ઓથોરિટીને બાહેધરી આપવાની હોય છે કે તેઓ સિસ્ટમમાં છેતરપિંડી નથી કરવાના. કારણ કે તેઓ કોઈ ચેડા કરે છે એવું સાબિત થશે તો પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે. જોકે, કોઈ મોટા ઓર્ગેનાઈઝેશનમાંથી તક મળતી હોય તો તમને ચાન્સ વધી જાય છે. મોટું ઓર્ગેનાઈઝેશન એક જ વ્યક્તિ માટે જુદા જુદા યુનિટ તરફથી લોટરી માટે ફાઈલ કરી શકે છે. પરંતુ તેમાં વ્યક્તિની જોબ એકદમ જેન્યુઈન હોય તે જરૂરી છે.
H1-B લોટરી માટે એકથી વધુ એમ્પ્લોયર અરજી કરે તો પણ તમને ચાન્સ મળી જ જશે તેની કોઈ ગેરંટી નથી. આમ કરવાથી માત્ર તમારી સિલેક્ટ થવાની શક્યતા વધી જાય છે. તેથી H1-B વિઝા માટે એક મજબૂત સ્ટ્રેટેજી તૈયાર કરો.