Rajsthan Accidnet News : રાજસ્થાનના જયપુર નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં 12 ગુજરાતીઓના મોત નીપજ્યા હતા. આ ગોઝારા અકસ્માતમાં મૃત્યું પામનારા 12 લોકોના મૃતદેહને તેમના વતન દિહોરમાં લાવવામાં આવ્યા છે. આ પાર્થિવ દેહને જોતા આખું ગામ હિબકે ચઢ્યું છે. ગામના કરૂણ દ્રશ્યો જોતા કોઇની પણ આંખ ભીંજાઇ જશે.
આપને જણાવીએ કે, રાજસ્થાનના જયપુર નેશનલ હાઇવે પર ભાવનગરથી મથુરા જતી ખાનગી બસને પાછળથી ટક્કર વાગી હતી. જેમાં 12 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં બચેલા મુસાફરોને બુધવારે દિહોર પાછા મોકલવામાં આવ્યા હતા.
મૃતકોને શ્રદ્ધજંલિ પાઠવવા હજારોની સંખ્યામાં લોકો દિહોર પહોંચ્યા છે. મૃતકોની અંતિમયાત્રામાં 10 હજારથી વધુ લોકો જોડાયા છે. મૃતકોના પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયો છે. તો આ અકસ્માતમાં મૃત્યુ પામેલ ભાવનગર શહેરની મહિલાનો મૃતદેહ પણ એમ્બ્યુલન્સ મારફતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો છે.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતમાં 12 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે 11થી વધુ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવતા 12 મૃતકો ભાવનગર જિલ્લાના હોવાનું સામે આવ્યું હતું. જેમાં 10 મૃતકો તો એકજ ગામના હોવાનું સામે આવ્યું હતું.
મૃત્યુ પામેલાની યાદી
- અંતુભાઈ લાલજીભાઈ ગયાણી 55 વર્ષ
- નંદરામભાઈ મથુરભાઈ ગયાણી 68 વર્ષ
- લલ્લુભાઈ દયાભાઈ ગયાણી
- ભરતભાઈ ભીખાભાઈ
- લાલજીભાઈ મનજીભાઈ
- અંબાબેન જીણાભાઈ
- કંબુબેન પોપટભાઈ
- રામુબેન ઉદાભાઈ
- મધુબેન અરવિંદભાઈ દાગી
- અંજુબેન થાપાભાઈ
- મધુબેન લાલજીભાઈ ચૂડાસમા
- કલુબેન ઘોયલ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અકસ્માતની ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ રાજસ્થાનમાં થયેલા માર્ગ અકસ્માતની કરુણ ઘટનામાં ગુજરાતના જે યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે પ્રત્યેકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય ગુજરાત સરકાર કરશે. દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકો અને ઈજાગ્રસ્ત યાત્રિકોના સ્વજનોની પડખે છે.