થરાદની મુખ્ય કેનાલમાંથી ગુરુવારે યુવક-યુવતીની તરતી લાશ જોવા મળતાં પાલિકાની ટીમના તરવૈયાઆે દ્વારા બન્નોની લાશોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. જેમાં એકબીજાઆે પ્રેમ સંબંધ ધરાવતાં હોવાથી બુધવારે ઘરેથી ભાગી થરાદની મુખ્ય કેનાલમાં ઝંપલાવી હોવાનુંલોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.
થરાદમાં ઢીમા પુલ નજીક મુખ્ય નર્મદા નહેરમાં ગુરુવારે યુવતીની તરતી લાશ કોઇ રાહદારીને જોવા મળતાં નગરપાલિકા તરવૈયાને જાણ કરવામાં આવતાં ફાયર ટીમ સાથે તરવૈયા સુલતાનમીર દ્વારા યુવતીની લાશને બહાર કાઢવામાં આવ્યા બાદ અંદાજે ૪૦ મીટરના અંતરે બીજી એક યુવકની તરતીલાશ જોવા મળતાં બંનેના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોના વાલી વારસો સ્થળ પર આવી પહોંચતાં બંને યુવક-યુવતી લાખણીના હોવાનું જાણવા મળ્યું હતું.
જેમાં એકબીજાઆે પ્રેમ સંબંધ ધરાવતાં હોવાથી બુધવારે ઘરેથી ભાગી થરાદની મુખ્ય કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલુ કરી દેતાં સ્થળ પર હાજર રહેલા લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. મૃતક યુવક પાસેથી એન્ડ્રોઇડ મોબાઈલ, પાવરબેગ તેમજ ચાર્જ કેબલ સહિત આધારકાર્ડ મળી આવ્યું હતું. આધાર કાર્ડમાં યુવકનું નામ કમલેશભાઇ હરજીભાઇ વજીર લખેલુ હતું.
જ્યારે યુવતી પાસેથી સાદો મોબાઈલ મળી આવ્યો હતો. પાલિકાના તરવૈયા દ્વારા બહાર કાઢેલી લાશો પરિવારજનોને સોંપવામાં આવી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. આ ઘટના અંગે થરાદ પોલીસ મથકે મોડા સુધી કોઇ ગૂનોનોંધાવા પામ્યો ન હતો.