પાટણ શહેરમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી ભરઉનાળે પાણીની બૂમરાડ ઉઠવા પામતાં શહેરીજનો પાલિકાના અણધડ વહીવટને લઈ ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને શહેરીજનોને આપવામાં આવતાં તમામ બોરો પરથી અનિયમિત અને ઓછુ પાણી આપવામાં આવી રહયું છે
ત્યારે પાટણ શહેરમાં ઉઠેલી પાણીની તંગીને લઈ તેની રીયાલીટી ચેક કરતાં પાટણના ખાન સરોવર સ્થિત ફિલ્ટર પ્લાન્ટની એક મોટરનો પંપ ખોટવાઈ જતાં પાણી ઓછા ફોર્સથી આવતું હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળ્યું હતું.
તો હાંસાપુર પમ્પીંગ સ્ટેશનની મોટર બળી જવાથી હાઈવે વિસ્તારોના રહીશોમાં પણ બુમરાડ ઉઠવા પામી હતી. એકબાજુ ફિલ્ટર પ્લાન્ટના મુખ્ય સંચાલક એવા જાવેદભાઈ રાઉમા અકસ્માતમાં બળી જવાથી અને આ તમામ પ્રશ્નો ઉદભવતાં શહેરીજનો પાણીના મામલે ત્રાહિમામ પોકારી ઉઠયા હતા ત્યારે ફિલ્ટર પ્લાન્ટ ખાતે ચાર મોટરો દ્વારા પાણી ખેંચીને તમામ બોરોમાં પાણી પુરુ પાડવામાં આવતું હોય છે
ત્યારે છેલ્લા બે દિવસથી એક મોટરનો પંપ ખોટવાઈ જતાં પાણીનો ફોર્સ ઓછો થઈ જવાથી શહેરમાં પાણીની તંગી સર્જાઈ હતી. જોકે આ ખોટવાઈ ગયેલા પંપનું રીપેરીંગ થઈ ગયું હોવાથી અને હાંસાપુરની બળી ગયેલી મોટરનું પણ રીપેર થઈ જવાથી શહેરીજનોને સાંજથી રાબેતા મુજબ પાણી મળી રહેવાની હૈયાધારણા પાલિકા પ્રમુખ સ્મિતાતાબેન પટેલે આપી હતી.
તો ભુરાભાઈ સૈયદે કાજીવાડાનો બોર છાશવારે ખોટવાઈ જવાથી આ વિસ્તારના રહીશોને પારાવાર મુશ્કેલીઓ સર્જાતી હોવાનું જણાવી પાલિકા દ્વારા શહેરીજનોને પુરતા પ્રમાણમાં અને પુરતા ફોર્સમાં પાણી મળી રહે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવા અપીલ કરી હતી.