મહેસાણાની દૂધસાગર ડેરીના ઘીમાં ભેળસેળના કૌભાંડ મામલે ફરિયાદ નોંધાયાના ૧૧ મહિના બાદ ફરાર પુર્વ ચેરમેન આશાબેન ઠાકોરની અટકાયત કરવામા આવી છે. ઘીમાં ભેળસેળ મામલે ફરિયાદ નોંધાયા બાદ આશાબેન ઠાકોર ફરાર હતા. જ્યારે તત્કાલીન વાઈસ ચેરમેન મોઘજીભાઈ, એમડી સહિતના આરોપીઓની જે તે સમયે જ ધરપકડ કરી લેવામા આવી હતી. આશાબેન ઠાકોરની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડેરી અને ફેડરેશનના નામને હાનિ પહોંચાડવા સાથે લોકો સાથે વિશ્વાસઘાત કરાતો હોવા મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ડેરી સત્તા મંડળના પુર્વ ચેરમેન આશાબેન ઠાકોર, પુર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી, પુર્વ મેનેજીંગ ડિરેક્ટર નિશિથ બક્ષી, લેબોરેટરી હેડ અને ટેન્કરનો કોન્ટ્રાકટ ધરાવતા ટ્રાન્સપોટર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.
પ્રાથમિક તબક્કે ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી અને નિશિથ બક્ષીને પોલીસે અટકાયત કરી હતી. જે બાદ ૧૧ માસ જેટલા સમયથી ડેરીના તત્કાલીન ચેરમેન આશા ઠાકોર ફરાર હોઈ પોલીસની શોધખોળમાં બાતમી મળતા આશા ઠાકોર પોતાના ખેતરમાં હોવાની બાતમી મળતા પોલીસે છાપો મારતા ઘી કાંડના આરોપી તરીકે રહેલ આશા ઠાકોર પોલીસ પકડમાં આવ્યા છે.
વડનગર પોલીસે ઘી ભેળસેળ કેસની તપાસ વિસનગર મુતા જોડે હોઈ આરોપી આશા ઠાકોરને પકડી વિસનગર મુતાને સોંપેલ છે. જેઓ દ્વારા આશા ઠાકોરની ધી ભેળસેળ કૌભાંડ સંદભૅ તપાસ પુછતાજ કરી કોર્ટમાં રજૂ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આશાબેન ઠાકોરને તેમના પોતાના ખેતર(ફાર્મ) ઉપરથી પોલીસે પકડી લીધા હોવાનું ધ્યાને આવતાં રાજકીય કરતાં સામાજીક ગરમાવો આવી ગયો છે. ફરિયાદ મુજબ આશાબેન આરોપી છે એટલે અટકાયત થવાની હતી. આથી હવે પરિવાર સહિત રાજકીય સંબંધિતોએ જામીન અપાવવા બાબતની કામગીરી તાત્કાલિક અસરથી હાથ ધરી છે.
આશાબેન ઠાકોરને ચેરમેનની જવાબદારી મળ્યાને ગણતરીના મહિનાઓમાં કથિત ઘી કૌભાંડની ફરિયાદ થતાં ચોંકાવનારી સ્થિતિ બની હતી. પોલીસ ફરિયાદમાં જવાબદારીના નાતે ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડી સહિતનાને આરોપી બનાવ્યા હતા. જેમાં આજે આશાબેન ઠાકોરને પોલીસે હસ્તગત કરી કોર્ટમાં રજૂ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.