જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા મહેસુલી પરિવાર તરફથી બંને અધિકારીઓને ભાવસભર વિદાયમાન અપાયું
શ્રી ખરેની બનાસકાંઠા ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક, પારેખ વડોદરા ખાતે રીજનલ કમિશનર ઑફ મ્યુનિસિપાલિટી તરીકેનો હવાલો સંભાળશે
પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરે તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખનો વિદાયમાન સમારંભ યોજાયો. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં જિલ્લા મહેસુલી પરિવાર તરફથી બંને અધિકારીઓને ભાવસભર વિદાય આપવામાં આવી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, શ્રી ખરેએ પ્રાંત અધિકારી તરીકે પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કર્યું છે. તેમને સોંપવામાં આવેલી આગામી કામગીરીમાં પણ તેઓની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવું છું. સાથે જ રોજગાર અને તાલીમ નિયામક તરીકેની મારી અગાઉની ફરજ દરમ્યાન શ્રી પારેખે કરેલી કામગીરીમાંથી ઘણું માર્ગદર્શન મેળવ્યું હતું. પાટણમાં મારી સૌપ્રથમવાર જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂંક થઈ ત્યારથી જિલ્લા વિકાસ અધિકારી પારેખનો પૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે.
કલેક્ટરએ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કોરોના વાયરસ મહામારીના સમયમાં કરેલી કામગીરીને બિરદાવી આગામી ફરજ માટે શુભકામનાઓ પાઠવી હતી.
વિદાયમાન પ્રસંગે મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, મારા ગત અનુભવોની સાપેક્ષમાં પાટણ જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ તરફથી ઉત્તમ સાથ-સહકાર મળ્યો છે. જિલ્લા કલેક્ટરના બહોળા અનુભવનો લાભ મળવા સાથે જિલ્લા વિકાસ અધિકારી સાથેના સંકલનના કારણે ફરજ દરમ્યાન કોઈ મુશ્કેલી નડી નથી. મહેસુલ વિભાગના કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સ્ટાફ સતત કાર્યરત રહ્યો છે. જ્યારે સ્ટાફના કર્મચારીઓ નિવૃત્તિ સમયે પોતાની ફરજ દરમ્યાનના શ્રેષ્ઠ વર્ષો યાદ કરશે તેમાં મારો ઉલ્લેખ થશે ત્યારે હું તેને મારી સફળતા માનીશ.
મહેસુલી પરિવાર તરફથી આપવામાં આવેલા વિદાયમાન પ્રસંગે આભારની લાગણી પ્રગટ કરતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખે જણાવ્યું કે, પંચાયત વિભાગના વડા તરીકે પણ મહેસુલ પરિવારે પરિવારની ભાવનાથી એટલું જ માન-સન્માન આપ્યું છે. કોરોના જેવી મહામારીમાં આપણે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ટીમ સ્પિરીટથી જ સફળ થઈ શક્યા. સાથે જ મહેસુલ પરિવાર ગરીબ અને વંચિત લોકોની સહાયતા માટે સતત કાર્યશીલ રહ્યું છે. તેમાં પણ શ્રી ખરેની કાર્યપદ્ધતિની ચોકસાઈ અને સ્પષ્ટતા પ્રસંશનીય છે. હવે તેમને વધુ મોટી જવાબદારી મળી છે ત્યારે તેમાં શ્રેષ્ઠતમ કામગીરી કરે તે માટે તેમને શુભેચ્છાઓ પાઠવું છું.
આ વેળાએ વિવિધ અધિકારીઓએ જિલ્લા વિકાસ અધિકારી પારેખ તથા મદદનીશ કલેક્ટર ખરેનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી અભિવાદન કર્યું હતું. સાથે જ વિદાય લઈ રહેલા બંને અધિકારીઓના માર્ગદર્શન, સંકલન અને નેતૃત્વ હેઠળ કરેલી કામગીરીના સંસ્મરણો વાગોળ્યા હતા. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા ખરે તથા પારેખને શ્રીફળ અને સાલ અર્પણ કરી તેમને સોંપવામાં આવેલી નવીન ફરજ માટે શુભકામનાઓ પાઠવી હતી.
પાટણ સબ ડિવિઝનના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતાં મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરેની બનાસકાંઠા ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ વડોદરા ખાતે અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના રીજનલ કમિશનર ઑફ મ્યુનિસિપાલિટી તરીકેનો હવાલો સંભાવશે.
આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર એન.ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુ આર.એન.પંડ્યા, નાયબ પોલીસ અધિક્ષક સોનારા અને સોલંકી, નાયબ કલેક્ટરઓ, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ તથા મહેસુલ પરિવારના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.