પાટણ શહેરનાં કોલેજ રોડ પર આવેલ રેલવે ફાટકને બંધ કરીને બે વર્ષ પૂર્વેબનાવેલો અંડરપાસ છેલ્લા આઠ દિવસથી વરસાદી પાણીથી હજુપણ ભરાયેલો હોવાથી આ રેલવે નાળામાંથી પસાર થતાં વાહનોને જોખમ રહે છે તથા વિધાર્થીઓ-કોલેજ કેમ્પસનાં સ્ટાફ- અધ્યાપકો સહિત પ્રાંત કચેરી અને સીટી સર્વે કચેરીનાં અધિકારીઓ-કર્મચારીઓને પણ આવવા જવામાં મુશ્કેલીઓ પડી રહી છે.
ચાલુ ચોમાસામાં એક અઠવાડીયા પહેલા પડેલા વરસાદમાં આ રેલવે અંડરપાસ પાણીથી છલોછલ ભરાઈ જઈને સ્વીમીંગ પુલમાં ફેરવાઈ જતાં લોકોની અવરજવર બંધ થઈ ગઈ હતી. કોલેજ કે કચેરીમાં જવા માટે યુનિવર્સીટી રોડ પરના ફાટક થઈને કૃષિ તાલીમ કેન્દ્રવાળા ખાંચાંમાથી સરકારી વસાહતનો એક દોઢ કિલોમીટરનું અંતર કાપીને જવું પડે છે.
વરસાદને થંભી ગયે પણ અઠવાડીયું થઈ ગયું છે છતાં આ નાળામાં આજેપણ પાણી ભરાયેલું છે. તેનો નિકાલ થતો ન હોવાથી વાહનચાલકો તેમાંથી જોખમ લઈને પસાર થઈ રહયા છે. આ નાળામાંથી પાણી કાઢવા માટે નાળાની ઉપર કોલેજ તરફના ભાગે રેલવે ટ્રેકની બાજુમાં ડ્રેઈન બનાવવામાં આવેલી છે અને પાણી ખેંચવા માટે મોટર પંપ પણ મુકવામાં આવી છે છતાં પણ પાણી પુરેપુરુ ખેંચીને નાળુ ખાલી કરી શકાયું નથી.
આ નાળામાં પાણી ભરાયેલા રહયા હોવાથી તે પડયું પડયું દુર્ગંધ પણ મારી રહયું છે અને નાળાની ઉપરનાં ભાગે આવેલા ઝુંપડાવાસીઓ અને આજુબાજુની દુકાનોના સંચાલકો પણ આ ગંધ મારતા પાણીથી બિમાર થવાનો ભય રહેલો છે.
આ નાળામાંથી પસાર થઈને પોતાની કચેરીના કામે ગયેલા પાટણ નગરપાલિકાના સુધરાઈ સભ્ય ડો.નરેશ દવેએ પોતાનો અનુભવ વ્યકત કરતા જણાવેલ કે પાટણમાં માત્ર આ નાળુ જ નહિં પણ માખણીયા જેવા ઓ.જી. વિસ્તારોમાં પણ વરસાદ થંભી ગયો હોવા છતાં પાણી હજુ પણ ભરાયેલા પડયા છે અને તેનો પણ નિકાલ થતો નથી. રેલવેના કોલેજવાળા નાળા બાબતે ડો.નરેશ દવેએ ચીફ ઓફીસરને પણ જાણ કરી હતી. ચીફ ઓફીસરે આ પાણી કાઢવાની જવાબદારી રેલવે તંત્ર ઉપર ઢોળી હોવાનું કહેવાય છે.
ચીફ ઓફીસરે રેલવે તંત્રને જાણ કરતા આ પાણી નગરપાલિકા ઉલેચે તેવું જણાવ્યું હતું. ડો.નરેશ દવેએ વધુમાં જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકામાં મળેલી પિ્રમોન્સુન પ્લાન માટેની મિટીંગમાં ચર્ચાયેલા અનેક મુદાઓ પૈકી શહેરમાં ભરાયેલા પાણીનો ત્રણ દિવસમાં નિકાલ કરવાની સૂચના અપાઈ હતી.
પરંતુુ રેલવે નાળામાં પાણી ભરાયે અઠવાડીયા ઉપરનો સમય થઈ ગયો છે પરંતુ તેનો નિકાલ હજુ પણ ન થતાં સીટીસર્વે અને પ્રાંત કચેરીમાં જનારા અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. પ્રાંત કચેરીના અધિકારીઓએ પણ નગરપાલિકાને જાણ કરીને હાલમાં તળીયાનું પાણી ઉલેચીને તેની નીચેનો કાદવ-કિચ્ચડ-માટી સાફ કરવાની જાણ કરી છે છતાં કામગીરી થતી નથી.
આ પાણીને ઉલેચવા માટે રેલવે વિભાગે તેમના કોન્ટ્રાકટર મારફત પંપ-મોટર મૂકી છે તે પાણી ઉલેચાઈ પણ ગયું છે. પરંતુ નાળાની અંદર તળીયાનું પાણી એ કાદવ-કિચ્ચડવાળું હોવાથી તેને પંપ ઉપાડી શકતું નથી. જેથી તેની સફાઈ નગરપાલિકાએ માનવશ્રમથી કરાવવી પડે તોજ આ નાળુ ચોખ્ખુ થઈ શકે તેમ હોવાનું જણાવી નાળામાં પડેલા પાણીમાંથી દુર્ગધં મારતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ પણ સેવી રહયા છે.