કાયદો અને વ્યવસ્થા વિભાગની ધુરા સંભાળતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાનો સંવેદનાસભર અભિગમ
સેવા સેતુ કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ સર્કિટ હાઉસ ખાતે નિરાધાર બાળકોના ખબર-અંતર પૂછી તેમની સાથે ભોજન લીધું
પાટણ શાકમાર્કેટ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બાળકો પ્રતિ સંવેદનશીલતાની પ્રતિતિ કરાવી હતી. સેવા સેતુ કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ શહેરના નવા સર્કિટ હાઉસ ખાતે કાયદો અને વ્યવસ્થા વિભાગની ધુરા સંભાળી રહેલા ગૃહ રાજ્ય મંત્રીએ સંવેદનાસભર અભિગમ દાખવતાં કોરોનાકાળમાં નિરાધાર બનેલા બાળકો સાથે મુલાકાત કરી તેમની સાથે ભોજન લીધું હતું.
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે સંવેદના દિન અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પાટણ ખાતે જિલ્લા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ જાડેજાએ કોરોના વાયરસ મહામારીમાં માતા-પિતા ગુમાવનાર બાળકો સાથે મુલાકાત કરી હતી. શહેરના નવા સર્કિટ હાઉસ ખાતે છત્રછાયા ગુમાવનાર આ બાળકો પ્રતિ સંવેદના દાખવી તેમની સાથે ભોજન લીધું હતું.
આ નિરાધાર બાળકો સાથેની મુલાકાત દરમ્યાન ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, તમારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ મહામારીના કારણે તમે જે ગુમાવ્યું છે તે બદલ તમારા અનાજ, અભ્યાસ અને વિદેશ અભ્યાસ માટે લોન સહિતની જરૂરિયાતોની રાજ્ય સરકાર ચિંતા કરી રહી છે. તમને થયેલા નુકશાનની ભરપાઈ માટે સરકાર કૃતનિશ્ચયી છે.