એકબાજુ ચોમાસાની ૠતુને લઈ પાટણ શહેરમાં વાયરલ ફીવરના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલો આજે શરદી, તાવ, ખાંસી સહિતના વાયરલ ફીવરના દર્દીઓથી ઉભરાઈ રહી છે તો બીજીબાજુ પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા પાટણ શહેરમાં છાશવારે ઉભરાતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી સહિત વરસાદી પાણીના ભરાઈ રહેતાં ખાબોચીયામાં બળેલા ડીઝલ સહિત દવાઓનો છંટકાવ કરવામાં ન આવતાં શહેરીજનો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો વધવાની ભીતિ સેવી રહયા છે.
ત્યારે ગત કારોબારી સમિતિની બેઠકમાં ચાલુ ચોમાસામાં શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મુકેશ પટેલને ચોમાસાને લગત દવાઓનો છંટકાવ કરવા માટેની દવાઓ મંગાવવા નેગોશીયેશન કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારે કારોબારીની સૂચના મુજબ મુકેશ પટેલ દ્વારા નેગોશીયેનની કામગીરી પૂર્ણ કરી બોર્ડમાં આ કામ લેવામાં આવતા બોર્ડે મંજૂર કર્યું હતું. તેમ છતાં ચીફ ઓફિસર દ્વારા સહી કરવામાં ન આવતાં શહેરીજનોનું આરોગ્ય જોખમમાં મૂકાયું છે અને પાટણ શહેરમાં હાલ વાયરલ ફીવરની વચ્ચે શહેરમાં અનેક જગ્યાઓએ ભૂગર્ભના ગંદા પાણી કે વરસાદી પાણીના ખાબોચીયા ભરાઈ રહેતા ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં શહેરીજનોનું આરોગ્ય જોખમાયું છે.
ત્યારે વોર્ડ નં.૯ના કોર્પોરેટર ર્ડા.નરેશ દવેએ જણાવ્યું હતું કે નગરપાલિકાના વહીવટકર્તાઓ ચોમાસા દરમ્યાન નાંખવામાં આવતી દવાઓની બોર્ડમાં ઠરાવ અને નેગોશીયેશન થઈ ગયા બાદ પણ ખરીદી કરતાં નથી અને હાલ ચોમાસુ અડધુ વીતી ગયું હોવા છતાં દવાઓની ખરીદી હજુસુધી થઈ નથી ત્યારે ચોમાસુ પૂર્ણ થઈ ગયા બાદ દવાઓની ખરીદવી કેટલે અંશે વ્યાજબી હોવાનું જણાવ્યું હતું. અને હાલ પાણીજન્ય અને ચોમાસાની ૠતુને લઈ મચ્છરો વધવાથી વાયરલ ફીવરના કેસો વધતાં જૂના ફોગીંગ મશીનોને કાર્યરત કરી શહેરમાં તેનો સદઉપયોગ કરવા માટે ફેરવી લોકોના આરોગ્યને સાચવવા પાલિકા દ્વારા પ્રયત્નો હાથ ધરવા અનુરોધ કરાયો હતો અને વહેલી તકે પાલિકાના વહીવટકર્તાઓ દવાઓની ખરીદી કરી ચોમાસાની ૠતુમાં જ શહેરમાં દવાઓનો છંટકાવ કરી શહેરને રોગમુકત બનાવવા પણ માંગ કરી હતી.
તો આ બાબતે સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપૂતને ટેલીફોનીક પુછતાં તેઓએ જણાવ્યું હતું કે ગત બોર્ડમાં દવાઓ મંગાવવાનો ઠરાવ મંજૂર થયો હોવા છતાં ચીફ ઓફિસર સહી કરતા ન હોવાથી દવાઓ મંગાવી શકતા ન હોવાનું જણાવ્યું હતું અને એજન્સી સાથે ચીફ ઓફિસર પણ નેગોશીયેશન કરવા માંગતા હોવાથી સહી બાકી રાખી હોવાનું જણાવ્યું હતું અને વધુમાં દવાઓની ખરીદી કરવામાં ન આવતાં હાલ શહેરની તમામ વોર્ડ ઓફિસોમાં શહેરમાં દવાઓનો છંટકાવ કરવા માટેની દવાઓ પૂર્ણ થઈ ગઈ હોવાથી આવનાર સમયમાં શહેરમાં રોગચાળો ફાટી નિકળશે તો તેની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસરની રહેશે તેવી લેખિતમાં રજૂઆત કરવાનું પણ જણાવ્યું હતું.
તો કારોબારીની મિટીંગમાં મુકેશ પટેલને એજન્સી સાથે નેગોશીયેશન કરવા જણાવતાં તેઓ દ્વારા દવાઓ ખરીદવા માટેના વ્યાજબી ભાવ નકકી કર્યા બાદ બોર્ડમાં કામ મૂકતાં મંજૂર કરાયું હોવા છતાં ચીફ ઓફિસર દ્વારા સહી કરવામાં ન આવતાં ચોમાસા દરમ્યાન ઉપયોગમાં લેવાની દવાઓની હજુસુધી ખરીદી કરવામાં ન આવી હોવાનું જણાવી સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપૂતને ચીફ ઓફિસર ગાંઠતા ન હોવાનું પણ જણાવી ચીફ ઓફિસરને નેગોશીયેશન કરવાની સત્તા ન હોવા છતાં પણ શા માટે નેગોશીયેશન કરી રહયા છે તે બાબતે પણ અનેક શંકાઓ ઉપજાવી હતી.